એલન મસ્કે Twitter બોર્ડના તમામ ડિરેક્ટર્સને હટાવ્યા, 'બોર્ડ ઓફ ડિરેક્ટર્સ'ની જવાબદારી એકલા જ સંભાળશે
ટ્વિટરની કમાન સંભાળ્યા બાદ એલન મસ્ક એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે
ટ્વિટરની કમાન સંભાળ્યા બાદ એલન મસ્ક એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે. કંપનીના ભારતીય મૂળના CEO પરાગ અગ્રવાલ સહિત અનેક એક્ઝિક્યુટિવ્સને હટાવ્યા બાદ હવે મસ્કે કંપનીના તમામ બોર્ડ ડિરેક્ટર્સને પણ હટાવી દીધા છે. હવે એલન મસ્ક ટ્વિટરના એકમાત્ર ડિરેક્ટર બની ગયા છે.
'Chief Twit' Elon Musk dissolves Twitter board, named sole director after takeover
— ANI Digital (@ani_digital) October 31, 2022
Read @ANI Story | https://t.co/l5480eFDdt#ElonMusk #Twitterboard #California #TwitterTakeover pic.twitter.com/Zxsvs9wVqt
ડેઈલી મેઈલના અહેવાલ મુજબ, જે નિર્દેશકોને હટાવવામાં આવ્યા છે તેમાં માર્થા લેન ફૉક્સ, ઓમિદ કોર્ડેસ્ટાની, ડેવિડ રોસેનબ્લેટ, પૈટ્રિક પિચેટ, એગોન ડરબન, ફી-ફી લી અને મિમી અલેમાયેહૌનો સમાવેશ થાય છે.એલન મસ્કે 28 ઓક્ટોબરે ટ્વિટરની કમાન સંભાળી હતી. માલિક બન્યા પછી જ તેમણે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ, સીએફઓ નેડ સેગલ અને લીગલ અફેર-પોલીસી હેડ વિજયા ગાડ્ડેને કંપનીમાંથી કાઢી મૂક્યા હતા.
મસ્કે આ વર્ષે 13 એપ્રિલે ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી હતી. તેમણે શેર દીઠ 54.2 ડૉલરના દરે 44 બિલિયન ડોલરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખરીદવાની ઓફર કરી હતી. પરંતુ પછી સ્પામ અને નકલી એકાઉન્ટના કારણે તેમણે તે ડીલ હોલ્ડ પર મૂકી દીધી હતી.
8 જુલાઈના રોજ મસ્કે ડીલ રદ કરવાનું નક્કી કર્યું હતું. જેની સામે ટ્વિટરે કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ ત્યાર પછી ઓક્ટોબરની શરૂઆતમાં મસ્કે પોતાનું વલણ બદલ્યું અને ફરીથી ડીલ પૂર્ણ કરવા સહમતિ વ્યક્ત કરી હતી. ડેલવેર કોર્ટે 28 ઓક્ટોબર સુધીમાં ડીલ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. મસ્કે એક દિવસ પહેલા જ ટ્વિટરની ઓફિસ પહોંચીને બધાને ચોંકાવી દીધા હતા.
પરાગ અગ્રવાલને કેમ કાઢી મૂકવામાં આવ્યા?
મસ્કે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ અને સીએફઓ નેડ સેગલ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી એકાઉન્ટ્સની સંખ્યા વિશે તેમને અને ટ્વિટરના રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે મસ્કનો ટ્વિટર સાથેનો સોદો પૂર્ણ થયો ત્યારે અગ્રવાલ અને સેગલ ઓફિસમાં હાજર હતા. આ પછી તેમને ઓફિસની બહાર કરી દેવામાં આવ્યા હતા. જોકે, આ અંગે ટ્વિટર, એલન મસ્ક કે કોઈ અધિકારી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
આ ફેરફારો થઇ શકે છે
મસ્ક હંમેશા કન્ટેન્ટ મોડરેશનનો વિરોધ કરે છે. તેમણે મીટિંગમાં લીગલ અફેર-પોલીસી હેડ વિજયા ગાડ્ડેને આ વિશે ઘણું કહ્યું હતું. જો કે, ટ્વિટર ડીલ ફાઇનલ થયા બાદ તેમણે વિજયા ગાડ્ડેની હકાલપટ્ટી કરી દીધી હતી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ટ્વિટર પર હવે કન્ટેન્ટ મોડરેશન ઓછી હશે
વિજયા ગાડ્ડેએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. હેટ સ્પીચના નામ પર થનારા કન્ટેન્ટ મોડરેશનને મસ્ક લોકોના અવાજને દબાવવાનું કહે છે. આ સાથે ટ્વિટર પર નવા ફીચર્સ પણ મળી શકે છે.
મસ્કે એક મીટિંગમાં ચીની એપ WeChat નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ટ્વિટરને સુપર એપની જેમ વિકસાવવાની વાત કરી હતી. થોડા સમય પહેલા ટ્વિટર પર એડિટ બટનનું ફીચર આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ પોતાની ટ્વીટ એડિટ કરી શકે છે. જો કે, આ સુવિધા અત્યારે દરેક માટે નથી. તે માત્ર ટ્વિટર બ્લુ યુઝર્સ માટે જ રિલીઝ કરવામાં આવ્યું છે, જે કંપનીની સબસ્ક્રિપ્શન આધારિત સેવા છે.