YouTube Go Shutting Down: Googleનો મોટો નિર્ણય, બંધ થશે YouTube Go, યુઝર્સે કરવું પડશે આ કામ
ગૂગલે આ એપને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ વર્ષે ઓગસ્ટમાં તેની સેવાઓ બંધ કરશે
નવી દિલ્હીઃ એક સમયે સસ્તા ફોન માટે યુટ્યુબના વિકલ્પ તરીકે લોન્ચ કરાયેલ YouTube Go હવે ટૂંક સમયમાં બંધ થઈ જશે. ગૂગલે આ એપને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ વર્ષે ઓગસ્ટમાં તેની સેવાઓ બંધ કરશે. કંપનીએ ગૂગલ સપોર્ટ પેજ પર એક પોસ્ટ દ્વારા આ જાણકારી આપી હતી.
કંપનીનું કહેવું છે કે YouTube Go યુઝર્સ હવે મુખ્ય YouTube એપ પર સ્વિચ કરી શકે છે. આવા યુઝર્સ જે એપનો ઉપયોગ કરવા માંગતા નથી, તેમની પાસે વેબ બ્રાઉઝરનો વિકલ્પ પણ છે. જ્યાંથી તેઓ સીધા જ આ સેવાનો ઉપયોગ કરી શકશે.
YouTube Go એપ વર્ષ 2016માં રિલીઝ કરવામાં આવી હતી. કંપનીએ તેને લો-એન્ડ હાર્ડવેર અથવા ધીમા ડેટા કનેક્શન ધરાવતા યુઝર્સ માટે તૈયાર કર્યું હતું. જો કે, યુઝર્સને આ એપ પર ઘણા ફીચર્સ મળતા નથી. દાખલા તરીકે યુટ્યુબ ગો પર યુઝર્સને કોમેન્ટ, પોસ્ટ, કન્ટેન્ટ ક્રિએશન અને ડાર્ક થીમનો ઉપયોગ કરવાની સુવિધા મળતી નથી.
બંધ કરવાનું કારણ શું છે?
ગૂગલે તેની પોસ્ટમાં કહ્યું છે કે યુટ્યુબે તેની મુખ્ય એપ્લિકેશનને વર્ષોથી અપડેટ કરી છે અને હવે તેનો ઉપયોગ ધીમા કનેક્શન્સ અને એન્ટ્રી-લેવલ હાર્ડવેરવાળા સ્માર્ટફોન પર કરી શકે છે. કંપનીએ કહ્યું છે કે ભવિષ્યના અપડેટ્સની મદદથી ડેટા વપરાશમાં ઘટાડો થશે, જેનાથી મર્યાદિત ડેટા એક્સેસ ધરાવતા યુઝર્સને ફાયદો થશે.
આ તમામ સુધારાઓ અને મુખ્ય એપથી સંબંધિત આયોજિત અપડેટ્સને કારણે YouTube Go બંધ થઈ રહ્યું છે. આ સાથે 2016માં YouTube Go લોન્ચ થયા પછી લો-સ્પેક હાર્ડવેરવાળા સ્માર્ટફોનની સ્થિતિમાં ઘણો ફેરફાર થયો છે. આ એપ ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ બજાર માટે બનાવવામાં આવી હતી. હાલમાં આ એપને 500 મિલિયનથી વધુ વખત ઇન્સ્ટોલ કરવામાં આવી છે, પરંતુ ટૂંક સમયમાં આ એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી હટી જશે.