'દેશી ટ્વિટર' કૂ એપ થશે બંધ, કંપનીના ફાઉન્ડરે લિંક્ડઇન પર પોસ્ટ કરી આપી જાણકારી
Koo App: માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Twitter (હવે X) સાથે સ્પર્ધા કરવા માટે દેશી એપ Kooને યુઝર્સ માટે લાવવામાં આવી હતી.
Koo App: માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Twitter (હવે X) સાથે સ્પર્ધા કરવા માટે દેશી એપ Kooને યુઝર્સ માટે લાવવામાં આવી હતી. ચાર વર્ષ પહેલા આવેલી Koo એપ લોકોને વધારે પસંદ આવી ન હતી, એટલે જ કંપની છેલ્લા ચાર વર્ષથી માર્કેટમાં ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહી હતી, પરંતુ હવે આખરે કંપનીએ Koo એપને બંધ કરવાનો નિર્ણય લીધો છે.
ઘણા સમયથી Koo એપના હસ્તાંતરણની ચર્ચા ચાલી રહી હતી પરંતુ કોઇ ખરીદદાર મળ્યો નથી. કૂ કંપનીના કો-ફાઉન્ડર મયંક બિદાવતકાએ તાજેતરમાં LinkedIn પર એક પોસ્ટમાં માહિતી આપી હતી કે અમે ઘણી મોટી ઈન્ટરનેટ કંપનીઓ, જૂથો અને મીડિયા હાઉસ સાથે વાતચીત કરી હતી પરંતુ અમને જોઈતા પરિણામો મળ્યા નથી.
કૂ એપ 2020માં લોન્ચ કરવામાં આવી હતી. તે પ્રથમ ભારતીય માઇક્રોબ્લોગિંગ સાઇટ હતી જે 10 વિવિધ ભાષાઓમાં યુઝર્સ માટે ઉપલબ્ધ હતી. અત્યાર સુધીમાં આ એપને 60 મિલિયન એટલે કે 6 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.
Koo એપની વાત કરીએ તો તેના બંધ થતા પહેલા કંપનીના કો-ફાઉન્ડરે પણ એપ વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. ઉદાહરણ તરીકે Koo એપ્લિકેશન પર દર મહિને 10 મિલિયન એક્ટિવ યુઝર્સ, 2.1 મિલિયન દૈનિક એક્ટિવ યુઝર્સ, દર મહિને 10 મિલિયન પોસ્ટ્સ અને 9 હજારથી વધુ VIP એકાઉન્ટ્સ હતા.
અહેવાલો અનુસાર, કૂ એપમાં છેલ્લા કેટલાક મહિનાઓથી છટણીની પ્રક્રિયા ચાલી રહી હતી. એપ્રિલ 2023 માં, કંપનીએ તેના લગભગ એક તૃતીયાંશ કર્મચારીઓને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો.
60 મિલિયન ડોલર એકત્ર કરવામાં આવ્યા હતા
કૂએ Accel અને Tiger Global જેવા રોકાણકારો પાસેથી 60 મિલિયન ડોલરથી વધુનું ભંડોળ એકત્ર કર્યું હતું, પરંતુ તેમ છતાં કંપની લોકોના હૃદયમાં તે સ્થાન બનાવી શકી ન હતી જે ટ્વિટર વર્ષોથી બનાવી રહી હતી. કદાચ આ જ કારણ છે કે ટ્વીટર સાથે સ્પર્ધા કરવા આવેલી કંપની કૂ માટે પેકઅપ કરવાનો સમય આવી ગયો છે.