શું તમારા વોટ્સએપ એકાઉન્ટ પર મુકાયો છે પ્રતિબંધ? મેટાએ ભારતના 9.7 મિલિયન યુઝરને કર્યા ડિલીટ
WhatsApp Account Ban: WhatsApp એ ભારતમાં ઘણા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે.

WhatsApp Account Ban: WhatsApp એ ભારતમાં ઘણા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. IANS ના અહેવાલ મુજબ, WhatsApp એ મંગળવાર, 1 એપ્રિલ, 2025ના રોજ માહિતી આપી હતી કે ફેબ્રુઆરી 2025માં ભારતના 9.7 મિલિયન એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયનું કારણ આપતાં કંપનીએ કહ્યું કે ભારતમાં WhatsApp ઉપયોગના નિયમોનું ઉલ્લંઘન કરતા એકાઉન્ટ્સ બંધ કરવામાં આવ્યા છે.
વોટ્સએપે એકાઉન્ટ્સ પર પ્રતિબંધ કેમ મૂક્યો?
વોટ્સએપના ફેબ્રુઆરી 2025ના સેફ્ટી રિપોર્ટ મુજબ, કંપનીએ 1.4 મિલિયનથી વધુ એવા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મુક્યો છે જેના વિશે કોઈ યુઝરે ફરિયાદ પણ નોંધાવી ન હતી. ભારતમાં WhatsAppના 500 મિલિયનથી વધુ યુઝર્સ છે. કંપનીએ જણાવ્યું હતું કે ભારતમાં આ 9.7 મિલિયન એકાઉન્ટ્સ પર AI-સંચાલિત મોડરેશન અને એડવાન્સ રિપોટિગ ટૂલ્સમાં કરવામાં આવતા રોકાણોને કારણે પ્રતિબંધિત થઈ શકે છે.
વોટ્સએપ તરફથી માહિતી આપતાં એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે વોટ્સએપ ઘણા વર્ષોથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સતત કામ કરી રહ્યું છે. આ સાથે અમારા ડેટા વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો અમારા પ્લેટફોર્મ પરના તમામ યુઝર્સને સંપૂર્ણ સલામતી પૂરી પાડવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. લોકોની સુરક્ષા સાથે ચેડા કરતી ખોટી બાબતોને રોકવા માટે વોટ્સએપે આ કાર્યવાહી કરી છે.
વોટ્સએપ દ્વારા મોટી કાર્યવાહી
વોટ્સએપે વધુમાં જણાવ્યું હતું કે IT નિયમો 2021 મુજબ, કંપનીએ મોટાભાગે એવા એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરી છે જેની જાણ યુઝર્સ દ્વારા પોતે કરવામાં આવી હતી. કંપનીએ એમ પણ કહ્યું કે વોટ્સએપમાં એક ઓટોમેટેડ ડિટેક્શન સિસ્ટમ છે જે શંકાસ્પદ પ્રવૃત્તિઓ શોધી કાઢે છે.
વોટ્સએપને મળતી મોટાભાગની ફરિયાદો સ્પૈમિંગ અને થર્ડ પાર્ટી એપ્સ સંબંધિત છે. આ ઉપરાંત લોકોએ એવા કેટલાક કિસ્સાઓ પણ નોંધ્યા છે જ્યાં તેમને તેમની પરવાનગી વિના વિવિધ ગ્રુપ્સમાં ઉમેરવામાં આવે છે. વોટ્સએપે આ બધી ફરિયાદોની તપાસ કરી છે અને આવા ખોટા કામ કરનારા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.





















