નીતિન ગડકરીએ એવું તે શું કહી દીઘું કે કોંગ્રેસ થઈ ગઈ ખુશ, ભાજપ નેતાની કરી પ્રશંસા
સામાન્ય રીતે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક બીજા પર ટીકા ટિપ્પણી કરવાનું ચૂકતા નથી. જો કે આ સમયે એક એવી ઘટના સામે આવી છે જેના પર સૌ નવાઈ પામ્યા છે. હકિકતમાં નીતિન ગડકરીના એક નિવેદન પર કોંગ્રેસ ખુશ થઈ રહી છે
સામાન્ય રીતે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક બીજા પર ટીકા ટિપ્પણી કરવાનું ચૂકતા નથી. જો કે આ સમયે એક એવી ઘટના સામે આવી છે જેના પર સૌ નવાઈ પામ્યા છે. હકિકતમાં નીતિન ગડકરીના એક નિવેદન પર કોંગ્રેસ ખુશ થઈ રહી છે. વાત એવી છે કે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, લોકતંત્ર માટે કોંગ્રેસનું મજબૂત હોવું જરૂરી છે. વાસ્તવમાં કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના મહાસચિવ સચિન સાવંતે નીતિન ગડકરીની આ ટિપ્પણીનું સ્વાગત કર્યું હતું. સાવંતે ગડકરીને આહવાન કર્યું કે, તેઓ પીએમ મોદી સાથે વિપક્ષને નષ્ટ કરવાની બીજેપીની કોશીશ વિશે વાત કરે.
નીતિન ગડકરીની ચિંતાની પ્રશંસા કરીએ છીએ
કોંગ્રેસના નેતા સચિન સાવંતે કહ્યું, ગડકરીજીએ વ્યક્ત કરેલી ચિંતાની અમે પ્રશંસા કરીએ છીએ. તેમણે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા વિપક્ષી પાર્ટીઓ અને લોકશાહીને નષ્ટ કરવાના ભાજપના પ્રયાસો વિશે પીએમ મોદી સાથે વાત કરવી જોઈએ. તેમણે બિનભાજપા શાસિત રાજ્યો સરકારોને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ વિશે ચિંતા વ્યક્ત કરી. સચિન સાવંતે દાવો કર્યો કે, સુપ્રીમ કોર્ટ પણ લાચાર લાગી રહી છે. તમે બિન-ભાજપ પક્ષોની સરકારોને હેરાન કરવા માટે તપાસ એજન્સીઓનો ઉપયોગ કરી રહ્યા છો.
કોંગ્રેસની વિચારધારા દેશના હિતમાં
કોંગ્રેસ નેતાએ કહ્યું કે નીતિન ગડકરીએ વ્યક્ત કરેલી ભાવના સારી છે. સાવંતે કહ્યું કે તેઓ એ વાતથી અજાણ નથી કે કેવી રીતે કેન્દ્ર સરકાર દેશમાં લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ મુખ્ય વિરોધ પક્ષ છે અને લોકોને ખ્યાલ આવશે કે કોંગ્રેસની વિચારધારા અને વિચારો રાષ્ટ્રના હિતમાં છે.
શું કહ્યું હતું ગડકરીએ?
હકિકતમાં નીતિન ગડકરીએ શનિવારે પુણેમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે લોકશાહી માટે મજબૂત કોંગ્રેસ મહત્વપૂર્ણ છે. તેઓ દિલથી ઈચ્છે છે કે, કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રીય સ્તરે મજબૂત બને. તેમણે કહ્યું હતું કે, લોકશાહી બે પૈડાં પર ચાલે છે. જેમાંથી એક પૈડું સત્તાધારી પક્ષનું છે જ્યારે બીજું વિપક્ષનું છે. લોકશાહીને મજબૂત વિપક્ષની જરૂર છે અને તેથી જ મને દિલથી લાગે છે કે કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે મજબૂત હોવી જોઈએ.
કોંગ્રેસનું નબળું પડવું દેશ માટે સારૂ નથી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે કોંગ્રેસ નબળી પડી રહી છે અને તેની જગ્યા પ્રાદેશિક પાર્ટીઓ લઈ રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસનું સ્થાન અન્ય પ્રાદેશિક પક્ષો લે તે લોકશાહી માટે સારું નથી. કાર્યક્રમમાં ગડકરીએ એ પણ જણાવ્યું કે જ્યારે તેઓ ભાજપમાં નવા આવ્યા હતા, ત્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા દિવંગત શ્રીકાંત જિચકરે તેમને તેમની પાર્ટીમાં જોડાવાનું કહ્યું હતું.