(Source: ECI/ABP News/ABP Majha)
ATMમાંથી નોટો ના નીકળતા બે યુવકોએ આપ્યું કેવું રિએક્શન અને શું આવ્યું પરિણામ, જુઓ વીડિયો
અમદાવાદઃ હાલમાં સમગ્ર દેશના લોકો છૂટ્ટા પૈસાના કારણે પરેશાન છે. બેન્ક અને એટીએમમાં જો પૈસા લેવા જાય તો લાંબી લાંબી લાઇનને કારણે પરેશાન થાય છે અને ગુસ્સે ભરાય છે. અમદાવાદના વટવા વિસ્તારમાં પૈસા ના નીકળતા ગુસ્સે ભરાયેલા યુવકોએ બે એટીએમમાં તોડફોડ કર્યાની ઘટના સામે આવી છે.
મોની હોટલના ખાંચામાં રહેતા અકીલ પટેલ ગ્રાફિક ડિઝાઇનર છે અને તેનો મિત્ર સાગર ઠક્કર બીએસસી કેમિસ્ટ્રીનો અભ્યાસ કરી નોકરી કરે છે. હાલ બંનેને રૂપિયાની અછત હોવાથી બંને મિત્રો શુક્રવારે રાત્રે એટીએમ સેન્ટર જવા નીકળ્યા હતા. તેઓ પહેલા ઇસનપુર બ્રીજ નીચેના બેન્ક ઓફ બરોડાના એટીએમ સેન્ટરમાં ગયા.પણ અહીં મશીનમાં રૂપિયા ન હોવાથી બંને મિત્રો આવેશમાં આવી ગયા અને સિક્યોરિટી ગાર્ડ બાબુલાલ સાથે ઝઘડો કરી મારામારી કરી અને તોડફોડ કરી નાસી છૂટ્યા હતા.
બાદમાં તેઓ પારસનગરના પુષ્પક કોમ્પલેક્ષમાં આવેલા આઇસીઆઇસીઆઇ બેન્કના એટીએમ સેન્ટરમાં ગયા ત્યાંથી પણ રૂપિયા ન નીકળતા બંને મિત્રોએ એટીએમ સેન્ટરના કાચ ફોડી નાખ્યા. આ સમયે જ ત્યાંથી પોલીસની ગાડી જતી હતી અને પોલીસે આરોપી અકીલ અને સાગરની ધરપકડ કરી હતી.