Hun to Bolish | હું તો બોલીશ | ગૃહમંત્રીશ્રી હવે તો જાગો
રાજકોટમાં દુકાનદારે એક યુવતીને ઢોર માર માર્યો. CCTV દ્રશ્યો છે અમીન માર્ગ પર આવેલી વેલ્યૂ ફેશન સ્ટુડિયોના. ચિરાગ ચંદારાણા અને એક યુવતી ભાગીદારીથી કાપડની દુકાન ચલાવતા હતા. બે લાખ રૂપિયાના હિસાબ મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો. મામલો ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા ચિરાગ ચંદારાણાએ યુવતીને એકબાદ એક સાતથી આઠ ફડાકા ઝીંકી દીધા. સમગ્ર મુદ્દે યુવતીએ દુકાનદાર સામે ફરિયાદ નોંધાવી છે. જો કે, કોંગ્રેસે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો છે કે, સાત-આઠ કલાક બેસાડી રાખીને પોલીસે ક્રોસ ફરિયાદીની વાત કરી.
ભાવનગર શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનું હવે ધારાસભ્ય પણ માની રહ્યા છે. ભાવનગર શહેર પૂર્વ વિધાનસભા 104ના ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ આઈ.જીને પત્ર લખ્યો. જેમાં સ્પષ્ટ જણાવ્યું કે, ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. 24 કલાક દુકાન, રેસ્ટોરન્ટ, શરૂ રાખવા માટે ગુજરાત સરકારે કાયદો બનાવ્યો છે. આમ છતાં છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેરમાં પોલીસ રાત્રીના 11:00 વાગે તમામ દુકાનો બંધ કરાવે છે.
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના CCTV દ્રશ્યો છે. અહીં મોડી રાત્રે 2 અને અઢી વાગ્યાની વચ્ચે તલવાર અને ધોકા વડે મર્સિડીઝમાં કરાઈ તોડફોડ. બુટલેગરના પુત્રનું અપહરણ થતા અસામાજિક શખ્સોએ સમગ્ર વિસ્તાર બાનમાં લીધો. હાથમાં તલવાર અને ધોકા લઈને ચાર ટુ વ્હીલરમાં 12 શખ્સો ધસી આવ્યા અને મર્સિડીઝ સહિતના વાહનોમાં તોડફોડ કરી. ચોંકાવનારી વાત એ છે કે, જે સમયે લુખ્ખાઓ તોડફોડ કરી રહ્યા હતા. એ સમયે ત્યાંથી પોલીસની જીપ પસાર થઈ. તોડફોડ કરતા શખ્સોને પકડવાના બદલે પોલીસની જીપમાં સવાર કર્મચારીઓ 100 મીટર દુરથી તમાશો જોતા રહ્યા. અસામાજિક તત્વો પણ કેમ જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ પોલીસની હાજરીમાં જ તોડફોડ અને ગાળાગાળી કરતા જોવા મળ્યા. કારનું ડિપર મારવા મુદ્દે કુખ્યાત બૂટલેગર કિશોરસિંહ રાઠોડના પુત્ર અજીતસિંહનો કેટલાક શખ્સો શખ્સો સાથે ઝઘડો થયો હતો. બાદમાં કારમાં સવાર શખ્સોએ કુખ્યાત ધમા બારડ અને તેના સાગરીતો સાથે મળી અજીતસિંહનું અપહરણ કર્યું. બાદમાં ઢોર માર મારી તેને છોડી મુક્યો. જ્યારબાદ અજિતસિંહના પિતા કિશોરસિંહ તેના સાગરિતો સાથે ધમા બારડ અને અને તેના માણસોને શોધવા નીકળ્યા. આ દરમિયાન ધમા બારડની મર્સિડીઝ અને અન્ય વાહનોમાં તોડફોડ કરી. હાલ તો પોલીસે બંને જૂથના માણસો સામે પોલીસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. તો, તોડફોડ વખતે પોલીસ જીપમાં હાજર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાના ડીસીપી કાનન દેસાઈએ તપાસના આદેશ આપ્યા છે.