Bhavnagar News: ભાવનગરમાં 3 વર્ષમાં જ આવાસ થયા જર્જરિત, મકાનોમાં પડી મસમોટી તીરાડો
ભાવનગરનો સુભાષનગર વિસ્તારમાં સરકારે ગરીબ અને મધ્યવર્ગના લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે બનાવ્યા હતા 1088 આવાસ. જો કે, 3 વર્ષમાં તો આ આવાસ થઈ ગયા છે જર્જરિત. આવાસોમાં મસમોટી તીરાડો પડી ગઈ છે. છતમાંથી પાણી ટપકી રહ્યું છે અને પોપડા પણ પડી રહ્યા છે. એટલું જ નહીં. સ્વીચ બોર્ડમાં શોર્ટ-સર્કિટના પણ બનાવ બની રહ્યા છે. 3 વર્ષમાં જ આવાસ જર્જરિત થઈ જતાં રહીશોમાં ભારે રોષ છે. હાલમાં જ એક મકાનના રસોડામાં તો મસમોટા પોપડા પડ્યા. સદનસીબે પરિવાર બાજુના રૂમમાં હતું. આથી બચી ગયું. તો આ મામલે ભાવનગર મહાનગરપાલિકાના કાર્યપાલક ઈજનેરનું માનવું છે કે, પાણી લિકેજના કારણે સમસ્યાઓ સર્જાઈ રહી છે.. આગામી પાંચ-સાત દિવસમાં તમામ આવાસના સમારકામ અને અન્ય પ્રશ્નોના નિરાકરણની ખાતરી અપાઈ છે. જો કે, સવાલ એ છે કે, કરોડોના ખર્ચે આવાસ બનાવવામાં આવે છે. પરંતુ બે-ત્રણ વર્ષમાં જ ખખડધજ બની જાય છે.




















