CM Bhupendra Patel : રાજ્યના પંચાયત વ્યવસ્થાને માળખાને વધુ સંગીન બનાવવા CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પંચાયત વ્યવસ્થાના માળખાને વધુ સંગીન અને સુવિધાયુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોની નવી કચેરીઓના બાંધકામ માટેના અનુદાનમાં નોંધપાત્ર વધારો કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જે ગ્રામ પંચાયતોના પંચાયત ઘર જર્જરિત હાલતમાં છે અથવા તો પંચાયત ઘર વિહોણી છે, તેવી ગ્રામ પંચાયતોને નવા પંચાયત ઘરના બાંધકામ માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા અનુદાનમાં મોટો વધારો કર્યો છે. હવેથી, 10 હજાર કે તેથી વધુની વસ્તી ધરાવતા ગામોમાં ગ્રામ પંચાયત ઘરના નિર્માણ માટે અગાઉ અપાતી 27 લાખ રૂપિયાની સહાયની જગ્યાએ મહત્તમ 40 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે.
આ ઉપરાંત, 5 હજારથી 10 હજાર સુધીની વસ્તીવાળા ગામોમાં પંચાયત ઘરોના બાંધકામ માટેની મહત્તમ યુનિટ કોસ્ટ 22 લાખ રૂપિયાથી વધારીને 34.83 લાખ રૂપિયા કરવામાં આવી છે. જ્યારે 5 હજારથી ઓછી વસ્તી ધરાવતા ગામોમાં નવા પંચાયત ઘરના નિર્માણ માટે અપાતી 17 લાખ રૂપિયાની સહાયને વધારીને હવે 25 લાખ રૂપિયા કરવામાં આવી છે.
















