Dahod News: દાહોદના લીમખેડાની ઘટના, ખોટો મરણનો દાખલો બનાવી જમીન પચાવી પાડી?
દાહોદના લીમખેડા તાલુકામાં આવેલ વલુન્ડી ગામમાં વૃદ્ધ હયાત હોવા છતાં ખોટો મરણ દાખલો કાઢી ખોટા વારસદારએ જમીન પર નામ ચઢાવી દીધું હોવાનો આરોપ. બીજીયાભાઈ ડામોર અને તેમના પત્ની રેલવીબેન, પુત્ર ભૂરાભાઈ અને દીકરી સોકલીબેન સાથે પોતાની માલિકીની રેવન્યુ સર્વે નંબર 115 અને 158 વાળી જમીન પર ખેતી કરી ગુજરાન ચલાવે છે. બીજીયાભાઈના દીકરાને લોન લેવા માટે જરૂર હોવાથી આવક-જાતિના દાખલા માટે પેઢીનામું કઢાવવાની જરૂર પડી. જેથી જમીનના 7/12 અને 8/અના ઉતારા કઢાવ્યા. ત્યારે આ પ્રમાણપત્ર જોઈ તેવો ચોકી ઉઠ્યા. સરકારી દસ્તાવેજોમાં બીજીયાભાઈને મૃત દર્શાવવામાં આવ્યા. અને રેવન્યુ સર્વે નંબર 115 અને 158 વાળી તેમની જમીન પર દાહોદના લક્ષ્મણભાઇ ડામોર, ગોવિંદભાઇ ડામોર, સુશીલાબેન ડામોર સહિતના અજાણ્યા વ્યક્તિઓના નામ વારસદાર તરીકે ચઢી ગયા હતા. આરોપ છે કે કૌભાંડીઓએ 1971માં બીજીયાભાઈ અને 1995માં દીતુબેનનું મૃત્યુ થયું હોવાના મરણના દાખલા રજૂ કરી તે મહિલાના વારસદાર તરીકે જમીન પોતાના નામે કરાવી લીધી હતી. જેથી બીજીયાભાઈનો પરિવારે ન્યાય માટે લીમખેડા મામલતદાર કચેરી પર પહોંચ્યો. અને તેઓની સાથે અન્યાય થયો છે તેવી રજૂઆત કરી. પરંતુ સાત મહિના વીતવા છતાં પરિણામ ન મળતા પરિવાર હતાશ છે. અને વહેલી તકે ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે..
















