(Source: ECI/ABP News/ABP Majha)
Banasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી
બનાસકાંઠા જિલ્લાનાં દિયોદર, થરાદ, ડિસા અને લાખણી એમ કુલ ૪ તાલુકાઓના નર્મદાના પાણીથી વંચિત વિસ્તારોને પૂરક સિંચાઇ માટે પાણી મળી રહે તે હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતો અને નાગરિકોના હિતમાં પાઇપલાઇન યોજનાનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આ ચાર તાલુકાઓ માટે રૂ.1056 કરોડની નર્મદા મુખ્ય નહેર આધારીત ઉદ્વહન પાઇપલાઇન યોજનાની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
જેમાં 53.70 કિ.મી. લંબાઇની મુખ્ય પાઇપલાઇન તથા 412.65 કિ.મી. લંબાઇના શાખા–પ્રશાખા પાઇપલાઇનના નેટવર્કથી ઉપરોક્ત ચાર તાલુકાઓના કુલ 124 ગામોનાં 189 તળાવો ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજનાથી બનાસકાંઠા વિસ્તારનાં 15000 હેક્ટર વિસ્તારને પુરક સિંચાઇનો લાભ મળશે તેમ, જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા જણાવ્યું હતું.
જળ સંપતિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, સુજલામ સુફલામ યોજના અંતર્ગત નર્મદા મુખ્ય નહેર આધારીત 14 પાઇપલાઇનોનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી 13 પાઇપલાઇનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ યોજના દ્વારા ઉત્તર ગુજરાતના પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં પુરક સિંચાઇ અને ભુગર્ભ જળ રિચાર્જ માટે તળાવો/ સુજલામ સુફલામ સ્પ્રેડિગ કેનાલ/ ઉત્તર ગુજરાતના જળાશયો નર્મદાના પાણીથી ભરવામાં આવી
રહ્યા છે. આ વિસ્તારના ધારાસભ્યઓ, ખેડૂતો અને સ્થાનિક આગેવાનોની રજૂઆતોને ધ્યાને લઈને મુખ્યમંત્રી દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે