Dang Waterlogged: ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી ચારે તરફ જળબંબાકારની સ્થિતિ
ડાંગ જિલ્લામાં નવરાત્રીના પ્રથમ દિવસે ભારે વરસાદે તબાહી મચાવી હતી. ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. અંબિકા નદીના પાણી બાર ખાંધીયા ગામમાં લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા હતા. અંબિકા નદીના પાણીમાં અનેક લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયા હતા.
ડાંગ જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં પૂર આવ્યું હતું. અંબિકા, ગીરા, પૂર્ણા નદીના પાણી ગામોમાં ઘૂસ્યા હતા. બાર ખાંધીયા ગામમાં ઘરોમાં અંબિકા નદીના પાણી ઘૂસ્યા હતા. ભારે વરસાદથી વઘઈ- આહવા જતા રોડ પર પાણી ફરી વળ્યા હતા. માછલી ખાતર ગામ નજીક પૂર્ણા નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.
માછલી ખાતર, બાજ, આંબાપાડા સહિત અનેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નદીઓમાં પૂરની સ્થિતિથી અનેક માર્ગ, લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. નદી કાંઠાના ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. રાત્રીના વરસાદથી લોકો છત્રીના સહારે ગરબે ઘૂમ્યા હતા. સાપુતારામાં છત્રીના સહારે લોકો ગરબે ઘૂમ્યા હતા. જિલ્લા પ્રશાસને લોકોને નદી- કોઝ-વેથી દૂર રહેવા અપીલ કરી હતી.
ભારે વરસાદથી વઘઈ- આહવા વચ્ચેનો રસ્તો બંધ થયો હતો. વઘઈ- આહવા રોડ પર ઠેર- ઠેર વૃક્ષો અને ભેખડ ધસી પડતા રોડ બંધ કરવો પડ્યો હતો. જિલ્લાના માછલી ખાતર નજીક પૂર્ણા નદીનું પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો હતો. છેલ્લા 24 કલાકમાં આહવામાં 4.75 ઈંચ, સુબીરમાં 2.5 , વઘઈમાં 1.25 ઈંચ અને સાપુતારામાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો હતો.


















