નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, છ રસ્તા બંધ
નવસારી જિલ્લામાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. પંચાયત હસ્તકના છ રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. કોઝવે પર પાણી ભરાતા સરોણા-સદલપુર રોડ, ખડસુપા-ઉન રોડ, પારડી-સદલાવ રોડ તેમજ સુપા-પેરા-કુચેદ રોડ સહિતના માર્ગો બંધ કરાયા છે. તંત્રએ લોકોને જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની અપીલ કરી છે. નવસારી જિલ્લાના કુરેલ ગામમાં નલ સે જલ યોજનાની કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી છે. પ્રથમ વરસાદમાં જ હેવી પાઈપલાઈન માટે બનાવાયેલી પ્રોટેકશન વોલ ધોવાઈ ગઈ છે. પાણીના યોગ્ય નિકાલના અભાવે જમીનમાં આશરે પાંચ ફૂટ જેટલું ધોવાણ થતાં માટી નદીમાં ગરકાવ થઈ ગઈ છે. જેના કારણે ખેતરોમાં જવાનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે અને ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક રોડ શરૂ કરાવવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.


















