Himmatnagar Rains : હિંમતનગરનો હાથમતી પીકપ વિયર ચાર વર્ષ બાદ થયો ઓવરફ્લો
સાબરકાંઠાના હિંમતનગરનો હાથમતી પીકપ વિયર ચાર વર્ષ બાદ ઓવરફ્લો થયો. હાલમાં હાથમતી પીકપ વિયર પાંચ ફૂટ પર ઓવરફ્લો થઈ રહ્યો છે. પીકપ વિયરમાંથી હાલમાં 8 હજાર 500 ક્યુસેક પાણી હાથમતી નદીમાં વહી રહ્યું છે. તો હાથમતી પીકપ વિયરમાંથી હાલ કેનાલમાં 200 ક્યુસેક પાણી વહી રહ્યું છે. પીકપ વિયર ઓવરફ્લો થતા મહેતાપુરા, વણઝારાવાસ, કાટવાડ ગામનો કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હિંમતનગર શહેરના કુલ ચાર કોઝ-વે પણ હાલ પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતા વાહન વ્યવહારની અવર-જવર બંધ કરવામાં આવી છે.
સતત વરસાદ પડવાના કારણે સાબરકાંઠાના હિંમતનગરનો ગુહાઈ ડેમ 95 ટકા ભરાયો છે. ગુહાઈ ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી પાણી હાથમતી નદીમાં છોડાઇ રહ્યું છે. ગુહાઈ ડેમમાંથી રાત્રીના 12 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. હાથમતી નદીમાં પાણી છોડાતા નદી કાંઠા વિસ્તારને એલર્ટ કરાયા છે. હાલમાં હિંમતનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે, જેમાં કાણીયોલ, રામપુર, ડેમાઈ સહિતના ગામને એલર્ટ આપવામાં આવ્યુ છે. હાથમતી જળાશયનું પાણી પણ હાથમતી નદીમાં છોડાઇ રહ્યું છે. ખાસ વાત છે કે, બંને જળાશયના પાણીનું બેવન્ટા મહાદેવ ખાતે સંગમ થશે.
















