Gandhinagar News: કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય, રાજ્યના નવા 17 તાલુકાના કેટલાક ગામોમાં કરાયો ફેરફાર
ગુજરાત રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરાયેલા 17 નવા તાલુકાઓના વહીવટી સીમાંકનમાં મહત્વના ફેરફારો કર્યા છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં આ ફેરબદલને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. સ્થાનિકોની વ્યાપક રજૂઆતોને ધ્યાનમાં રાખીને સરકારે આ સુધારાઓ કર્યા છે, જેમાં મુખ્યત્વે સુરત, ખેડા અને પંચમહાલ જિલ્લાના અમુક ગામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ખેડા જિલ્લામાં ફાગવેલને નવું તાલુકા મથક અને તાલુકો જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો હેતુ પ્રશાસનિક સરળતા વધારવાનો અને ગ્રામજનોને તેમના તાલુકા મથકની સુવિધાઓ નજીકથી મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
17 નવા તાલુકાની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી બાદ આજે મળેલી કેબિનેટની બેઠકમાં વધુ એક મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય કરાયો. વિવિધ જિલ્લામાં આવેલા કેટલાક ગામોમાં તાલુકા અને સીમા બદલવાના પ્રસ્તાવને મંત્રીમંડળે મંજૂરી આપી છે.. તેમજ ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીવાવ ચીખલોડના બદલે ફાગવેલ રાખવા માટે પણ કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી. કલેક્ટર અને સરકારને મળેલી વિવિધ રજૂઆતો, નાગરિકોની લાગણી અને વહીવટી અનુકુળતાને ધ્યાને લઈને તાલુકાના ગામોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.. જેમાં સુરતના માંડવી તાલુકામાં આઠ ગામોની હદ વિસ્તારમાં ફેરફાર કરાયો. જ્યારે સંતરામપુરમાં ત્રણ તાલુકામાં 20 ગામોનો, ખેડામાં 11 ગામોની હદ વિસ્તારમાં ફેરફાર કરવામાં આવ્યો છે..


















