Mount Abu: માઉન્ટ આબુ પર પ્રવાસીઓને નો-એંટ્રી, જાણો શું છે કારણ
જો આપ અત્યારે માઉન્ટ આબુ જવાનું આયોજન કરી રહ્યા છો તો આ સમાચાર તમારી માટે છે...ભારે વરસાદના કારણે માઉન્ટ આબુ તરફ જવાના રસ્તાઓ તૂટી ગયા છે. જેને લઈ સંભવિત અકસ્માત ટાળવા માટે માઉન્ટ આબૂ પર પ્રવાસીઓને પ્રવેશ માટે પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત હોટલ સંચાલકોને પણ પર્યટકોને રૂમ ન આપવાની સૂચના આપવામાં આવી છે. માઉન્ટ આબુમાં રોડ-રસ્તા તૂટ્યા હોવાથી સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી પર્યટકોને ન આવવા સ્થાનિક જિલ્લા કલેકટરે પર્યટકોને અપીલ કરી. સંભવિત અકસ્માતને ટાળવા ફક્ત દૂધ અને એમ્બ્યુલન્સ જેવા અગત્યના વાહનોને માઉન્ટમાં હાલ પ્રવેશ અપાશે. વિભાગીય અધિકારીઓ સ્થળ પર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી સતત ભારે વરસાદ પડતાં અનેક ઠેકાણે માર્ગો ધોવાઈ ગયા છે. રવિવારે સાતધૂમ વિસ્તાર પાસે જાહેર માર્ગ ધોવાઈ ગયો હતો. આબુ રોડ તળેટી, માઉન્ટ આબુ મુખ્ય માર્ગ પણ બપોર પછી ધોવાઈ ગયો હતો. પરિસ્થિતિને ગંભીરતા લઈને પ્રશાસને કડક નિર્ણય લીધા છે. હાલ માત્ર સ્થાનિક લોકોને જ પ્રવેશની છૂટ આપવામાં આવી છે...સ્થાનિક હોટલ અને પરિવહન સેવા પર પડી રહેલ અસરને ધ્યાનમાં રાખી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.

















