Aravalli News: અરવલ્લી જિલ્લાના માલપુરમાં કરુણ ઘટના, વાત્રક નદીમાં ડુબતા ત્રણ સગીરના મોત
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આજે એક અત્યંત દુઃખદ ઘટના બની છે. માલપુર નજીક આવેલી વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત થયા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
મૃત્યુ પામેલા ત્રણેય સગીર માલપુરના કસબા વિસ્તારમાં રહેતા હતા. તેમના નામ સુલતાન, રોનક અને સાહબાઝ હોવાનું જાણવા મળ્યું છે. ત્રણેય ભાઈઓ રમતા રમતા નદી તરફ ગયા હતા અને અકસ્માતે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
આ કરુણ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ભારે જહેમત બાદ ત્રણેય સગીરોના મૃતદેહોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે મૃતક ત્રણેય સગીરોના પરિવારમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો છે. સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે અને લોકો પરિવારજનોને સાંત્વના આપી રહ્યા છે.




















