J&K News Updates: શ્રીનગર અને પૂંછમાં સંભળાયા મોટા ધડાકા, જુઓ દ્રશ્યોમાં કેવી છે સ્થિતિ
જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં એક સરકારી અધિકારીનું મોત થયું છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ માહિતી આપી છે. તેમણે ‘એક્સ’ પર પોસ્ટમાં લખ્યું હતું કે "રાજૌરીથી હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. આપણે જમ્મુ અને કાશ્મીર વહીવટી સેવાના એક સમર્પિત અધિકારી ગુમાવ્યા છે. ગઈકાલ સુધી તેઓ નાયબ મુખ્યમંત્રી સાથે જિલ્લાનો પ્રવાસ કરી રહ્યા હતા અને મારા દ્વારા આયોજિત ઓનલાઈન મીટિંગમાં પણ ભાગ લીધો હતો. આજે તેમના નિવાસસ્થાને પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં આપણા એડિશનલ જિલ્લા વિકાસ કમિશનર રાજ કુમાર થપ્પા શહીદ થયા હતા. આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કરવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. ઇશ્વર તેમના આત્માને શાંતિ આપે."
ગુરુવારે રાત્રે પાકિસ્તાને મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ઘુસણખોરી કરાવવાનો પ્રયાસ પણ કર્યો, જેને BSFએ નિષ્ફળ બનાવ્યો હતો. જવાબી કાર્યવાહીમાં સાત આતંકવાદીઓ માર્યા ગયા અને પાકિસ્તાન રેન્જર્સ ચોકીને ભારે નુકસાન થયું હતું.















