Bharuch | AAP નેતા ચૈતર વસાવા હવે કરી શકશે નર્મદા-ભરુચ જિલ્લામાં પ્રવેશ, જુઓ HCએ શું કર્યો હુકમ?
નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીના સેશન્સ કોર્ટની શરતને દૂર કરવાની માગ સાથે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે અરજીને હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી છે અને હવે નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરત કાયમ માટે દૂર કરતાં તેમને મોટી રાહત મળી છે. અગાઉ હાઇકોર્ટે વચગાળાના આદેશ મારફતે ૧૨મી જૂન સુધી વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરત મોકૂફ રાખતા મોટી રાહત આપી હતી.
હાઇકોર્ટે નીચલી કોર્ટની શરતોને કાયમ માટે દૂર કરી છે. કારણ કે, મત વિસ્તારને ધારાસભ્ય વગર રાખવાથી આખરે તે વિધાનસભા મત વિસ્તારને નુકસાન પહોંચે છે. અગાઉ આ કેસ સંદર્ભે કોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે જંગલમાં કેટલીક જગ્યા ખાલી હતી. જ્યાં ગામડામાં રહેતા લોકોએ કપાસ વાવ્યો હતો. જંગલના અધિકારીઓએ તે જગ્યા ખાલી કરાવી સામાન ખુલ્લા બજારમાં વેચી માર્યો હતો. આથી ગામડાના લોકોએ વળતરની માગ સાથે ચૈતર વસાવાનો સંપર્ક કર્યો હતો. જેથી ચૈતર વસાવાએ જંગલના અધિકારીઓ સાથે મીટિંગ રાખી હતી. જેમાં જંગલના અધિકારીઓ વળતર આપવા સંમત થતા વિવાદનો અંત આવ્યો હતો, પરંતુ બાદમાં જંગલખાતાના ઉચ્ચ અધિકારીના કહેવાથી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.