Surat Smart Meter Protest: સુરતમાં સ્માર્ટ મીટર લગાવવા મામલે મારામારી, વીજકર્મી પર કરી દીધો હુમલો
Surat Smart Meter Protest: સુરતમાં સ્માર્ટ મીટર લગાવવા મામલે મારામારી, વીજકર્મી પર કરી દીધો હુમલો
સુરત : સુરત શહેરમાં સ્માર્ટ મીટરના વિરોધમાં વધુ એક હુમલાની ઘટના બની છે. DGVCL ના કોન્ટ્રાક્ટ કર્મચારીને માર મારવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોની માંગ છે કે સ્માર્ટ મીટરને લઈ DGVCL દ્વારા યોગ્ય માહિતી આપવી જોઈએ. લોકોના મગજમાં રહેલી ભ્રમણા દૂર કરવી જોઈએ. મોબાઈલ રિચાર્જની જેમ બિલ ભરવાનું આવશે તેવું લોકોનું માનવું છે.
કેટલાક લોકો કહી રહ્યા છે સ્માર્ટ મીટર નહીં જોઈએ. સુરતમાં સ્માર્ટમીટર લગાવવા ગયેલા કર્મચારી પર ચાર શખ્સો તૂટી પડ્યા હતા. સુરતમાં ડીજીવીસીએલ કંપની અને અલેથીયા નામની પ્રાઇવેટ કંપનીના કર્મચારીઓ પર હુમલો થયો હતો. સ્માર્ટ મીટર લગાડવાનું કામ શહેરભરમાં કરવામાં આવી રહ્યું છે. સ્માર્ટ મીટરને લઈને લોકોમાં હજી પણ ઘણી બધી માન્યતાઓ હોવાને કારણે સ્થાનિક લોકો અને કંપનીના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી હતી.
એક મહિલા સહિત ચાર લોકોની ધરપકડ
આ ઘટનામાં અમરોલી પોલીસે એક મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે. 15 મેના દિવસે ડીજીવીસીએલ અને અલેથીયા કંપનીના કર્મચારીઓ અમરોલીના કોસાડ આવાસમાં ગયા હતા. જ્યાં એચ ફોર બિલ્ડિંગ નંબર 311 પર વિભાગ A તથા વિભાગ Bની બિલ્ડિંગના મીટર બદલવાના હતા. બિલ્ડિંગના રહીશોને મીટર બદલી સ્માર્ટ મીટર લગાડી આપવાનું જણાવ્યા બાદ બિલ્ડિંગના લોકોએ મીટર બદલવાની હા પાડતા કામગીરી શરૂ કરવામાં આવી હતી.
કંપનીના કર્મચારી પર કરવામાં આવ્યો હુમલો
અલેથીયા કંપનીના કર્મચારી ભૂષણ શિંદે પર હુમલો કર્યો હતો. બાદમાં ચાર જેટલા લોકોએ ભૂષણ શિંદેને ઢીક્કા-મૂક્કાથી માર માર્યો હતો. બાદમાં એક વ્યક્તિ હાથમાં લાકડી લઈને આવી હતી અને ભૂષણ શિંદેને મારવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં ભૂષણ શિંદેને ડાબા હાથે અને કોણીના ભાગે મૂંઢ ઇજા પહોંચી હતી. આ સમયે હાજર અન્ય સહકાર્મચારીઓ દ્વારા 100 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી.
લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે
સ્માર્ટ મીટરને લઈ રોજ વિરોધ સામે આવતો રહે છે. લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે. થોડા સમય પહેલા વડોદરામાં પણ સ્માર્ટ મીટરને લઈ વિરોધ થયો હતો. સ્થાનિક લોકોએ વિરોધ કરતા કર્મચારીઓએ કામ અટકાવવું પડ્યું હતું.



















