ભાજપના ક્યાં સાંસદે કેન્દ્રીય પ્રધાન હરિભાઈને પોતાના માટે બનાસકાંઠા બેઠક ખાલી કરવા કહ્યું ? જુઓ વીડિયો
પાટણઃ આગામી 2019 લોકસભાની ચૂંટણીને લઇને એક તરફ ભાજપે તૈયારીઓ શરૂ કરી લીધી છે તો બીજી તરફ ગુજરાત ભાજપમાં જ લોકસભા બેઠકને લઇને લડાઇ શરૂ થઇ ગઇ છે. કોણ કઇ બેઠક પરથી ચૂંટણી લડશે તેની હજુ સુધી કોઇ જાહેરાત કરી નથી તેમ છતાં પાટણથી બીજેપીના સાંસદ લીલાધર વાઘેલાએ બનાસકાંઠાની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાનો દાવો કર્યો છે.
ભાજપના સાંસદ લીલાધર વાઘેલાએ કહ્યુ હતું કે, હું બનાસકાંઠા બેઠક પરથી ચૂંટણી લડવાનો છું. હરિભાઇ ચૌધરી મારા માટે બેઠક ખાલી કરે. નોંધનીય છે કે હાલમાં બનાસકાંઠાથી હરિયાભાઇ ચૌધરી સાંસદ છે.
લીલાધર વાઘેલાએ દાવો કર્યો હતો કે 2014માં હરિભાઇને બચાવવા માટે હું પાટણથી ચૂંટણી લડ્યો હતો. પરંતુ આ વખતે મારી ઇચ્છા બનાસકાંઠાથી ચૂંટણી લડવાની છે. હું આ અંગે પાર્ટીને રજૂઆત કરીશ. લીલાધર વાઘેલાના આ નિવેદન બાદ હાલ ભાજપમાં રાજકારણ ગરમાઇ ગયું છે.
વાઘેલાએ કહ્યુ હતું કે, બનાસકાંઠા પરથી ચૂંટણી લડવી એ મારો હક્ક છે. મે તેમના ભલા માટે અગાઉ બેઠક છોડી હતી તેથી તેઓએ મારા માટે આ વખતે બેઠક છોડવી પડશે. ઉલ્લેખનીય છે કે લીલાધર વાઘેલાએ વિધાનસભા ચૂંટણીમાં પોતાના દીકરાને ટિકીટ અપાવવા માટે જીદ કરી હતી.