Virat Kohli Test Retirement : વિરાટ કોહલીનું ટેસ્ટ ક્રિકેટને અલવિદા, સન્યાસની કરી જાહેરાત
Virat Kohli Test Retirement : વિરાટ કોહલીનું ટેસ્ટ ક્રિકેટને અલવિદા, સન્યાસની કરી જાહેરાત
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી જાણકારી આપી હતી. 36 વર્ષીય વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રમતો જોવા મળ્યો હતો. જ્યાં ભારતને 5 મેચની શ્રેણીમાં 1-3 થી હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલીએ શ્રેણીની પહેલી મેચ એટલે કે પર્થ ટેસ્ટમાં સદી ફટકારી હતી પરંતુ તે પછી તે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.
ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા વિરાટ કોહલીએ લખ્યું હતું કે, "ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર બેગી બ્લૂ જર્સી પહેર્યાને 14 વર્ષ થઈ ગયા છે. ઇમાનદારીથી કહું તો મે ક્યારેય વિચાર્યું નહોતું કે આ ફોર્મેટ મને કઇ સફર પર લઈ જશે. તેણે મારી પરીક્ષા લીધી, મારું ઘડતર કર્યું અને મને એવા પાઠ શીખવ્યા કે હું જીવનભર સાથે રાખીશ."
વધુમાં વિરાટ કોહલીએ લખ્યું કે સફેદ જર્સીમાં રમવું એ મારા માટે ખૂબ જ ખાસ અને વ્યક્તિગત અનુભવ છે. મહેનત, લાંબા દિવસો, નાની નાની ક્ષણો જેને કોઈ જોતું નથી, પણ તે હંમેશા તમારી સાથે રહે છે. જેમ જેમ હું આ ફોર્મેટથી દૂર જઈ રહ્યો છું, તે સરળ નથી, પરંતુ હાલમાં તે યોગ્ય લાગે છે. મેં મારું સર્વસ્વ આપી દીધું છે અને તેણે મને મારી અપેક્ષા કરતાં વધુ આપ્યું છે. હું રમત માટે, મેદાન પરના લોકો માટે અને આ સફરમાં મને ટેકો આપનારા દરેકનો આભારી છું. હું હંમેશા મારા ટેસ્ટ કારકિર્દીને સ્મિત સાથે જોઈશ.
વિરાટ હવે ફક્ત વનડેમાં જ રમશે
હવે વિરાટ ફક્ત વનડેમાં જ રમતો જોવા મળશે. ગયા વર્ષે ટીમ ઈન્ડિયાએ ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ તેણે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
વિરાટ કોહલીએ જૂન 2011માં કિંગ્સ્ટનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ કોહલીએ પહેલી ઇનિંગમાં 4 રન અને બીજી ઇનિંગમાં 15 રન ફટકાર્યા હતા. તેમની છેલ્લી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં હતી, જે જાન્યુઆરી 2025માં રમાઈ હતી. આ છેલ્લી ટેસ્ટમાં કોહલીએ પહેલી ઇનિંગમાં 17 રન અને બીજી ઇનિંગમાં 6 રન બનાવ્યા હતા.
કિંગ કોહલીએ 123 ટેસ્ટ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે 46.85 ની સરેરાશથી 9230 રન ફટકાર્યા હતા. કોહલીએ ટેસ્ટમાં 30 સદી અને 31 અડધી સદી ફટકારી છે.





















