UP: પ્રેમી સાથે ભાગી પત્ની, પતિએ ઝાડ સાથે બાંધી સાત કલાક સુધી બેલ્ટથી ફટકારી
લખનઉઃ ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પતિએ પંચાયતના આદેશ પર પોતાની પત્નીને ઝાડ સાથે બાંધી બેલ્ટ અને લાકડીથી જાહેરમાં ફટકારી હતી. મહિલા પર આરોપ હતો કે તે કોઇ અન્ય યુવક સાથે ભાગી ગઇ હતી. ત્યારબાદ પંચાયતે તેને આ પ્રકારની સજા સંભળાવી હતી. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે એક ડઝન લોકો સામે કેસ દાખલ કર્યો હતો અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
ઉત્તરપ્રદેશના બુલંદશહેરના લૌંગા ગામની છે. વીડિયોમાં અનેક લોકો મહિલાને પીટતી જોઇ રહ્યા છે પરંતુ કોઇ તેની મદદ માટે આગળ આવતું નથી. મહિલાને એક ઝાડ સાથે બાંધી તેનો પતિ બેલ્ટથી પીટી રહ્યો છે. પીડિતાએ જણાવ્યું કે, તે તેના પાડોશી ધર્મેન્દ્ર લોધી સાથે ગઇ હતી. પાંચ દિવસ બાદ 10 માર્ચના રોજ કેટલાક લોકો તેને ગામ પાછા લઇ આવ્યા હતા. ગામના પંચાયતે તેનો પતિ તેને ઝાડ સાથે બાંધી જાહેરમાં ફટકારશે તેવી સજા સંભળાવી હતી. મહિલાના પતિ સૌદાન સિંહે સવારે સાત વાગ્યે મારવાનું શરૂ કર્યું હતું જે બપોરે બે વાગ્યા સુધી મારતો રહ્યો હતો.