International Year of Millets 2023: ખેડૂતો આનંદો, ગુજરાતમાં પ્રથમવાર ઘઉંની સાથે ઉનાળુ બાજરી, જુવાર, રાગીની ટેકા ભાવે સરકાર કરશે ખરીદી
આગામી તા.1 એપ્રિલથી 15 જૂન સુધી રાજ્યભરના 237 કેન્દ્રો- ગોડાઉન પરથી ખરીદી કરવામાં આવશે.
Gujarat Agriculture News: ગુજરાતના ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટિંગ સીઝન (RMS) 2023-24માં લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નિર્ણય કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સહિત સમગ્ર વિશ્વ વર્ષ 2023ને 'આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ' તરીકે ઉજવી રહ્યું છે ત્યારે તેના ઉપલક્ષમાં ગુજરાતમાં પ્રથમ વખત ઘઉંની સાથે સાથે ઉનાળુ બાજરી, જુવાર અને રાગીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તેમ ગાંધીનગર ખાતે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠક બાદ મીડિયાને વિગતો આપતાં જણાવ્યું હતું.
ખેડૂતો એક મહિના સુધી કરાવી શકશે નોંધણી
ઋષિકેષ પટેલે કહ્યું, ખેડૂત ખાતેદારના આધારકાર્ડ સાથેના 'બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન' દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલ લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોની રાજ્ય સરકારના FPP પોર્ટલ (Farmers Procurement Portal) પર ફરજીયાત ઓનલાઈન નોંધણી કરાવવાની રહે છે.ખેડૂતોએ આ માટે તા.01 માર્ચથી એક માસ માટે એટલે કે 31 માર્ચ 2023 સુધી ઓનલાઈન નોંધણી કરવાની રહેશે.
કયા દસ્તાવેજોની પડશે જરૂર
રાજ્યભરમાં આગામી તા. 01 એપ્રિલથી 15 જૂન 2023 સુધી કુલ 237 ખરીદ કેન્દ્રો- ગોડાઉન પરથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનો ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકાશે. ખેડૂતોએ નોંધણી માટે આધારકાર્ડની નકલ, ગામ નમૂના 7-12 તથા 8-અ ની તાજેતરની નકલ, ગામ નમૂના 12માં પાક વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો, પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો તાજેતરનો દાખલો ,ખાતેદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ કરેલ ચેકની નકલ આધાર તરીકે રજૂ કરવાની રહેશે.
કયા ભાવે કરવામાં આવશે ખરીદી
ચાલુ વર્ષે ગુજરાતમાં ઘઉંની પ્રતિ ક્વિન્ટલ રૂ. 2125ના ટેકાના ભાવે એટલે કે પ્રતિ મણ રૂ.425/- ના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. બાજરીની પ્રતિ ક્વિન્ટલ રૂ. 2350ના ટેકાના ભાવે એટલે કે પ્રતિ મણ રૂ. 470 ના ટેકાના ભાવે, જુવાર (હાઈબ્રિડ)ની પ્રતિ ક્વિન્ટલ રૂ. 2970ના ટેકાના ભાવે એટલે કે પ્રતિ મણ રૂ.594 ના ટેકાના ભાવે, જુવાર (માલદંડી)ની પ્રતિ ક્વિન્ટલ રૂ. 2990ના ટેકાના ભાવે એટલે કે પ્રતિ મણ રૂ. 598 ના ટેકાના ભાવે તેમજ રાગીની પ્રતિ ક્વિન્ટલ રૂ. 3578ના ટેકાના ભાવે એટલે કે પ્રતિ મણ રૂ. 715.60ના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
રાજ્ય સરકાર કેટલી કરશે ખરીદી
આ વર્ષે ટેકાના ભાવે 2.00 લાખ મેં. ટન ઘઉં, 50,000 મેં.ટન બાજરી, 4000 મેં.ટન જુવાર (હાઈબ્રિડ) તેમજ જુવાર (માલદંડી) અને 1,000 મેં.ટન રાગીની ટેકાના ભાવે ખરીદી કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.