ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
હવે આગામી 5 એપ્રિલ સુધી ખેડૂતો વેચાણ માટે નોંધણી કરાવી શકશે.

Gujarat wheat MSP: રાજ્યના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણીની સમયમર્યાદા લંબાવી છે. જે ખેડૂતો હજુ સુધી નોંધણી કરાવી શક્યા નથી તેઓ હવે આગામી તારીખ ૦૫ એપ્રિલ સુધી પોતાની નોંધણી કરાવી શકશે.
ગુજરાતમાં રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ ગત તારીખ ૧૭ માર્ચથી કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા ઘઉં માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. ૨,૪૨૫નો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આ ભાવે ગુજરાત રાજ્ય નાગરિક અન્ન પુરવઠા નિગમ દ્વારા ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવી રહી છે.
અગાઉ, લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા તારીખ ૦૧ માર્ચથી ૧૬ માર્ચ દરમિયાન યોજાઈ હતી. જો કે, રાજ્યના ઘણા ખેડૂતો હજુ પણ નોંધણી કરાવવાથી વંચિત રહી ગયા હોવાથી, રાજ્ય સરકારે ખેડૂત લક્ષી નિર્ણય લઈને નોંધણીની સમયમર્યાદાને આગામી ૦૫ એપ્રિલ સુધી લંબાવી છે. હવે બાકી રહેલા ખેડૂત ખાતેદારો ગ્રામ્ય સ્તરેથી જ VCE મારફત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા ઓનલાઈન નોંધણી કરાવી શકશે.
ગ્રામ્ય સ્તરેથી ઓનલાઈન નોંધણી કરાવવા માટે ખેડૂત મિત્રોએ કેટલાક જરૂરી દસ્તાવેજો સાથે રાખવાના રહેશે. જેમાં આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો, ૭/૧૨ અને ૮/અની નકલનો સમાવેશ થાય છે. જો પાક વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨ કે ૮/અમાં ન થઈ હોય તો તલાટીના સહી-સિક્કાવાળો દાખલો પણ સાથે લાવવાનો રહેશે. આ ઉપરાંત, ખેડૂતના નામના બેંક ખાતાની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ પણ જરૂરી છે.
ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન નોંધણી કરાવેલા ખેડૂતોને SMS દ્વારા ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. જ્યારે ખેડૂતો ખરીદી માટે આવે ત્યારે તેમણે પોતાનું આધારકાર્ડ અથવા અન્ય કોઈ માન્ય ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખરીદીની પ્રક્રિયા ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ કરવામાં આવશે. નોંધણી દરમિયાન જો કોઈ ખેડૂત દ્વારા ખોટા દસ્તાવેજો અપલોડ કરવામાં આવ્યા હોવાનું ધ્યાને આવશે તો તેવા કિસ્સામાં ખેડૂતની નોંધણી રદ કરવામાં આવશે અને તેને ખરીદી માટે જાણ કરવામાં આવશે નહીં.
ટેકાના ભાવે ઘઉંના વેચાણ માટે નોંધણી સંબંધિત કોઈપણ મુશ્કેલીના નિવારણ માટે ખેડૂતો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ અને ૮૫૧૧૧૭૧૭૧૯ પર સંપર્ક કરી શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
