Alto થી લઈને Fortuner સુધી, GST ઘટાડા પછી આ કાર થઈ જશે સસ્તી? જાણો નવી કિંમત કેટલી હશે
સરકારના સંભવિત નિર્ણયથી સામાન્ય માણસને મોટી રાહત, કાર ખરીદવાનું સ્વપ્ન સાકાર થશે.

જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર આવી શકે છે. હાલમાં એવી ચર્ચા ચાલી રહી છે કે કેન્દ્ર સરકાર દિવાળી પહેલા કાર પર લાગતો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) 28% થી ઘટાડીને 18% કરી શકે છે. જો આ નિર્ણય લેવાશે, તો અલ્ટો, ક્રેટા, સ્કોર્પિયો અને ફોર્ચ્યુનર જેવી લોકપ્રિય ગાડીઓની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. આનાથી કાર ખરીદવાનું મધ્યમ વર્ગના પરિવારોનું સપનું સાકાર થઈ શકે છે.
જીએસટી ઘટાડા પછી કારની અંદાજિત કિંમત અને બચત
મારુતિ સુઝુકી અલ્ટો K10 મારુતિ સુઝુકીની અલ્ટો K10 ભારતમાં સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ કાર છે. હાલમાં, દિલ્હીમાં તેની એક્સ-શોરૂમ કિંમત ₹4.23 લાખ છે. તેના પર લગભગ 29% ટેક્સ લાગતો હોવાથી, ઓન-રોડ કિંમત વધીને ₹4.85 લાખ થઈ જાય છે. જો જીએસટી ઘટીને 18% થશે, તો ગ્રાહકોને ₹30,000 સુધીની બચત થશે અને કાર વધુ સસ્તું બનશે.
હ્યુન્ડાઇ ક્રેટા હ્યુન્ડાઇ ક્રેટા દેશની સૌથી લોકપ્રિય એસયુવીમાંની એક છે. દિલ્હીમાં તેના બેઝ મોડલની એક્સ-શોરૂમ કિંમત ₹11.10 લાખ છે. વર્તમાન ટેક્સ (28% GST + 22% સેસ) સાથે કુલ 50% ટેક્સ લાગે છે, જેના કારણે તેની ઓન-રોડ કિંમત ₹12.92 લાખ સુધી પહોંચે છે. જીએસટી 18% થતા ગ્રાહકોને લગભગ ₹53,000નો સીધો ફાયદો થશે.
મહિન્દ્રા સ્કોર્પિયો N મહિન્દ્રા સ્કોર્પિયો N પણ ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવતી એસયુવી છે. દિલ્હીમાં તેના Z2 બેઝ પેટ્રોલ મોડલની એક્સ-શોરૂમ કિંમત ₹13.99 લાખ છે. ટેક્સ અને અન્ય ચાર્જિસ ઉમેરતા, ઓન-રોડ કિંમત ₹16.22 લાખ સુધી પહોંચે છે. આ મોડેલ પર હાલમાં લગભગ 78% જેટલો ટેક્સ લાગે છે. જો જીએસટી ઘટશે, તો ખરીદદારોને ₹67,000 જેટલી બચત થઈ શકે છે.
ટોયોટા ફોર્ચ્યુનર ટોયોટા ફોર્ચ્યુનર ભારતમાં એક પ્રીમિયમ ફુલ-સાઇઝ એસયુવી તરીકે ઓળખાય છે. તેના 4X2 AT (પેટ્રોલ) વેરિઅન્ટની દિલ્હીમાં એક્સ-શોરૂમ કિંમત ₹36.05 લાખ છે, જે ઓન-રોડ ₹41.80 લાખ સુધી પહોંચે છે. આ વાહન પર કુલ ટેક્સ અને ચાર્જ લગભગ 74% જેટલો છે. જો જીએસટીમાં ઘટાડો થશે, તો ફોર્ચ્યુનર ખરીદનારા ગ્રાહકોને ₹1.61 લાખ સુધીની મોટી રાહત મળી શકે છે.
જો દિવાળી પહેલા આ નિર્ણય લેવાશે, તો કાર ઉદ્યોગમાં મોટી તેજી જોવા મળી શકે છે, જે નાના વાહનોથી લઈને લક્ઝરી એસયુવી સુધીના તમામ સેગમેન્ટના ગ્રાહકો માટે ફાયદાકારક રહેશે.




















