ઇલેક્ટ્રિક બાઇકની ખરીદીમાં સરકાર વિદ્યાર્થીઓને આપી રહી છે તગડી સબસિડી, કયા વિદ્યાર્થીઓને મળે છે આ લાભ, જાણો વિગતે
આ સહાય યોજના અંતર્ગત ગુજરાતમાં ધોરણ-9થી લઈને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટૂ વ્હીલર ખરીદવા રાજ્ય સરકાર 12 હજાર રૂપિયાની સબસિડી-સહાય આપશે. આ સહાય-સબસિડી 10 હજાર વાહનોને આપવાનો લક્ષ્યાંક છે.
અમદાવાદઃ દેશમાં વધી રહેલા પ્રદુષણ અને પેટ્રૉલના ભાવને ધ્યાનમાં રાખીને લોકો હવે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી તરફ વળ્યા છે. ગુજરાતમાં પણ લોકો હવે ધીમે ધીમે ઇલેક્ટ્રિક કાર-બસ, બાઇક અને સાયકલ સહિતની વ્હીકલો ખરીદવા લાગ્યા છે. રાજ્ય સરકાર પણ ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીને વેગ આપવા માટે ખાસ યોજના બનાવી રહી છે. બજેટ દરમિયાન સરકારે ઇલેક્ટ્રિક વાહનો માટે કેટલાક પૉલીસી રજૂ કરી હતી. તે અંતર્ગત રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે ઇલેક્ટ્રિક બાઇકનો ખરીદી પર સબસિડી આપવાની પણ વાત છે.
રાજ્યમાં આગામી બે વર્ષમાં 1 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનો માર્ગો પર દોડતાં થાય એ માટે ગુજરાત સરકાર ખાસ વાહનવ્યવહારની નીતિમાં ફેરફાર કરવા કામ શરૂ કર્યુ છે. જો સમયસર આ નીતિ બનશે તો રાજયમાં બે વર્ષમાં એક લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહન (ઇવી) માર્ગેા પર જોવા મળશે.
ઇલેક્ટ્રિક વાહનો પર સબસિડી....
રાજ્ય સરકારે એક મહત્ત્વપૂર્ણ યોજનાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં વાહનોથી ફેલાતાં વાયુ-પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટૂ વ્હીલર-થ્રી વ્હીલર માટે ખાસ સબસિડી-સહાય યોજના જાહેર કરી છે.
આ સહાય યોજના અંતર્ગત ગુજરાતમાં ધોરણ-9થી લઈને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટૂ વ્હીલર ખરીદવા રાજ્ય સરકાર 12 હજાર રૂપિયાની સબસિડી-સહાય આપશે. આ સહાય-સબસિડી 10 હજાર વાહનોને આપવાનો લક્ષ્યાંક છે.
એટલું જ નહીં, વ્યક્તિગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઇ-રિક્ષા થ્રી વ્હીલર ખરીદીમાં પણ 48 હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે અને પાંચ હજાર ઇ-રિક્ષાઓને એનો લાભ અપાશે.
રાજ્યમાં બેટરી ચાર્જિંગ સ્ટેશન પણ ઉભા કરાશે....
આ ઉપરાંત ગુજરાત સરકારની પૉલીસી પ્રમાણે, ઇવી ઉપરાંત ચાર્જિંગ સ્ટેશન ઊભું કરવામાં પણ પ્રોત્સાહન જાહેર કર્યાં છે. ઇવીની નવી નીતિમાં ઇવી વાહનો તેમજ ઇવી ચાર્જિંગ સ્ટેશન માટેનાં વધુ રાહતો આપવામાં આવશે. રાજ્યના હાલના પેટ્રોલ પંપ અને સીએનજી પંપના સ્થાને ઇવી ચાર્જિંગ સ્ટેશન આપવાની સરકારે તૈયારી કરી છે. સરકાર ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને વધારવા માટે સબસિડી અને કર રાહતો આપી રહી છે. આ નીતિ હાલ દ્વિચક્રી અને ટ્રાન્સપોર્ટ વાહનોને મળે છે, હવે કોમર્શિયલ વાહનોને પણ આપવામાં આવશે.