'ડિજિટલ એરેસ્ટ'ના નામે ₹11 કરોડની ઠગાઈ: અમદાવાદની મહિલાને 80 દિવસ ગોંધી રાખનાર આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ
રાજ્યમાં વધી રહેલા સાયબર ગુનાઓને રોકવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ CID ક્રાઈમ અને રેલ્વેઝ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

digital arrest scam: સાયબર ક્રાઈમની દુનિયામાં સનસનાટી મચાવનાર એક કિસ્સામાં, ગાંધીનગરની સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સે અમદાવાદમાંથી એક એવી ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે, જેઓ TRAIના કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓની ખોટી ઓળખ આપીને લોકોને 'ડિજિટલ એરેસ્ટ'ના નામે ધમકાવતા હતા. આ ગેંગે અમદાવાદની એક મહિલાને 80 દિવસ સુધી ખોટા ભય હેઠળ રાખીને તેમની પાસેથી ₹11,42,75,000 (અગિયાર કરોડ, બેતાળીસ લાખ, પંચોતેર હજાર) પડાવ્યા હતા. પકડાયેલા આરોપીઓ – કશ્યપ બેલાણી, દિનેશ લિબાચિયા અને ધવલ મેવાડા – દેશભરમાં કુલ 11 જેટલા સાયબર ગુનાઓ આચર્યા હોવાનું અને અંદાજે ₹18.55 કરોડની ઠગાઈ કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસને આરોપીઓના ખાતામાંથી ₹3,15,99,494ની રકમ મળી આવી છે.
ગુજરાત સાયબર સેલની મોટી સફળતા: 'ડિજિટલ એરેસ્ટ' કૌભાંડનો પર્દાફાશ
રાજ્યમાં વધી રહેલા સાયબર ગુનાઓને રોકવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ CID ક્રાઈમ અને રેલ્વેઝ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેના ભાગરૂપે, ગાંધીનગરની સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સે એક અત્યંત સંગઠિત ઠગ ગેંગના ત્રણ મુખ્ય સભ્યોને અમદાવાદમાંથી પકડી પાડ્યા છે. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી (કાર્યશૈલી) લોકોને TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા)ના અધિકારીઓ અથવા પોલીસ અધિકારીઓ તરીકે ખોટી ઓળખ આપીને ડરાવી-ધમકાવવાની હતી.
આ ગેંગ વીડિયો કોલ અથવા સાદા કોલ દ્વારા ભોગ બનનારનો સંપર્ક કરતી હતી અને તેમના પર ખોટા આરોપો મૂકતી હતી. તેઓ એવો ભય પેદા કરતા હતા કે ફરિયાદીનો મોબાઈલ નંબર ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાયો છે, તેમની સામે FIR થઈ છે, અને CBI, FEMA, RBI, SEBI, RAW જેવી એજન્સીઓ દ્વારા તપાસ ચાલી રહી છે. ખોટો આરોપ મૂકીને આજીવન કેદના ગુનામાં ફસાવી દેવાના ભય હેઠળ, તેઓ ભોગ બનનારને કોઈને વાત ન કરવા અને ઘરની બહાર ન નીકળવા દબાણ કરતા હતા, જેનાથી એક પ્રકારનો 'ડિજિટલ અરેસ્ટ'નો માહોલ સર્જાતો હતો.
અમદાવાદની મહિલા પાસેથી ₹11.42 કરોડની ઠગાઈ
આ ગેંગે અમદાવાદની એક મહિલાને લગભગ 80 દિવસ સુધી વીડિયો કોલ દ્વારા ગેરકાયદેસર રીતે ગોંધી રાખી હતી અને ડરાવી-ધમકાવીને તેમની પાસેથી અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ ₹11,42,75,000 જેટલી મોટી રકમ પડાવી લીધી હતી. આ આરોપીઓએ વિશ્વા ગ્લોબલ ચેરીટેબલ ટ્રસ્ટના નામે બેંક ખાતાઓ ખોલાવ્યા હતા અને તેનો ઉપયોગ છેતરપીંડીના રૂપિયા સગેવગે કરવા માટે મુંબઈ ખાતેના સાયબર સિન્ડિકેટના આરોપીઓ સાથે મળીને કરતા હતા.
આ ગુનામાં ઝડપાયેલા મુખ્ય આરોપીઓ:
- કશ્યપ અરૂણભાઇ બેલાણી
- દિનેશભાઇ છગનલાલ લીબાચીયા
- ધવલભાઇ મહેશભાઇ મેવાડા
પોલીસે આરોપીઓ પાસેથી 10 મોબાઈલ ફોન, 4 ડેબિટ કાર્ડ અને 3 લેપટોપ સહિતનો મહત્ત્વનો મુદ્દામાલ કબજે કર્યો છે.
દેશભરમાં ₹18.55 કરોડની ઠગાઈનો ખુલાસો
આરોપીઓના બેંક ખાતાની વિગતોની ઊંડી તપાસ કરતા જાણવા મળ્યું કે આ ગેંગે માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશભરમાં કુલ 11 સાયબર ક્રાઈમના ગુનાઓ આચર્યા છે. જેમાં મહારાષ્ટ્ર (મુંબઈ સિટી), તામીલનાડુ (કોઈમ્બતુર સિટી) અને તેલંગાણા ખાતે 1-1 ફરિયાદ દાખલ થયેલી છે. આ તમામ ગુનાઓમાં અંદાજે ₹18,55,01,168ની સાયબર ઠગાઈ થઈ હોવાનો ખુલાસો થયો છે. જોકે, તપાસ દરમિયાન આરોપીઓના બેંક ખાતામાંથી પોલીસને કુલ ₹3,15,99,494ની રકમ મળી આવી છે.
સાયબર ફ્રોડથી બચવા માટેની અપીલ
સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સે સામાન્ય જનતાને આવા ફ્રોડથી બચવા માટે નીચેની મહત્ત્વપૂર્ણ સાવચેતીઓ રાખવા અપીલ કરી છે:
- 'ડિજિટલ એરેસ્ટ'ની કોઈ કાયદાકીય જોગવાઈ નથી. જો TRAI, ED, CBI, RBI જેવી સરકારી એજન્સીના નામે કોઈ કોલ આવે અને ડરાવીને મિલકતની માહિતી માંગે, તો તે માહિતી ક્યારેય આપવી નહીં.
- શેર બજારમાં ટૂંકા ગાળામાં વધુ નફો કમાવી આપવાની લોભામણી જાહેરાતોમાં વિશ્વાસ મૂકીને રોકાણ કરવું નહીં.
- સોશિયલ મીડિયા પર આવતી .APK ફાઈલ કે લોભામણી જાહેરાતવાળી લિંક પર ક્લિક કરવાથી બચવું.
- તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન (Two Factor Authentication) ઓન કરીને સુરક્ષિત રાખવા.




















