(Source: ECI/ABP News/ABP Majha)
Surat: હીરાબજારમાં દલાલને શરીરમાં અચાનક ખંજવાળ શરુ થઈ, મોપેડની ડીકીમાંથી 9.98 લાખ ગાયબ
મોપેડની ચાવી ઈગ્નીશનમાં જ રહી જતા અજાણ્યા શખ્સો ડીકીમાંથી રોકડા 9.98 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે મધરપુરા પોલીસે હીરા દલાલની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
સુરત : સુરત શહેરમાં હીરાબજારમાં ચોરીની ઘટના સામે આવી છે. અહીં કતારગામના હીરા વેપારી પાસેથી લીધેલા હીરા મહિધરપુરાના વેપારીને વેચી પેમેન્ટના રૂપિયા 9.98 લાખ મોપેડની ડીકીમાં મૂકી જતા દલાલને મહિધરપુરા હીરાબજારમાં શરીરે અચાનક ખંજવાળ શરૂ થતા મોપેડ સાઈડમાં ઉભું રાખી મોઢું ધોવા ગયા હતા. આ સમયગાળા દરમિયાન મોપેડની ચાવી ઈગ્નીશનમાં જ રહી જતા અજાણ્યા શખ્સો ડીકીમાંથી રોકડા 9.98 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે મધરપુરા પોલીસે હીરા દલાલની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે.
મહિધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના મોટા વરાછા મીરા હોમ્સમાં રહેતા મૂળ અમરેલીના લાઠીના વતની તુષાર દિપકભાઈ નારોલા મહિધરપુરા હીરાબજારમાં હીરા દલાલીનું કામકાજ કરે છે. ગત તારીખ 29 જાન્યુઆરીના રોજ કતારગામ ખાતે હીરાનું કારખાનું ધરાવતા વિમલ લાભભાઈુ કેવડીયા નામની હીરા વેપારી પાસેથી રૂપિયા 9,98,052ની કિંમતના 216.26 કેરેટ હિરાનો માલ વેચાણ માટે લઈ ગયા હતા. બીજા દિવસે 30મીના રોજ મહિધરપુરા હિરાબજારમાં ડાયમંડ પ્લાઝામાં ઓફિસ ધરાવતા રાકેશ કોટડીયાને હીરાનો માલ વેચ્યો હતો.
વેપારીએ માલના પૈસા 6 ફેબ્રુઆરીના રોજ આપવાનો વાયદો આપ્યો હોવાથી તુષારભાઈ ગત તારીખ 6 ફેબ્રુઆરીના રોજ પેમેન્ટ લેવા માટે ગયા હતા અને વેપારી પાસેથી પેમેન્ટ લઈ પૈસા પ્લાસ્ટીકની થેલીમા રાખી તેને મોપેડીની ડીકીમાં રાખ્યા હતા. બાદમાં તુષારભાઈ મોપેડ લઈને રૂપિયા વિમલભાઈને તેમના કતારગામ ખાતેના કારખાને આપવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તામાં એકાએક તેમને ખંજવાળ અને બળતરા થવા લાગતા તેઓએ મોપેડ રોડની સાઈડમાં રાખ્યું હતું.
જોકે આ દરમિયાન એક અજાણ્યો શખ્સ તેમની પાસે આવી તેમનું શું થાય છે પુછ્યું હતુ. તુષારભાઈને તેમની સાથે વાત કરી નજીકમાં રહેલી આલુપુરીની દુકાનેથી પાણી લાવી આપ્યું હતું. જેનાથી તેઓ મોઢુ સાફ કરતા હતા. આ દરમ્યાન અજાણ્યો શખ્સ નજર ચૂકવી મોપેડની ડીકીમાંથી રોકડા 9,98,052 ચોરી કરી નાસી ગયો હતો.
ડીકીમાં રાખેલા રૂપિયાની ચોરી થઈ હોવાની તુષારભાઈને જાણ થતા તેમણે મહિધરપુરા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તુષારભાઈની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
https://t.me/abpasmitaofficial