હિંદુ છોકરીઓ પર રેપ અને બ્લેકમેઇલિંગ પાછળ મોટા નેટવર્કની આશંકા, રાષ્ટ્રીય મહિલા આયોગના રિપોર્ટમાં ખુલાસો
પોલીસે આરોપીઓ વિરુદ્ધ એફઆઇઆર નોંધી તેમની ધરપકડ કરી છે

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક પ્રાઇવેટ કોલેજમાં થયેલા બળાત્કાર અને બ્લેકમેઇલિંગ કેસમાં રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ ગંભીર તથ્યો જાહેર કર્યા છે. કમિશને આ કેસને સંગઠિત ગુના અને સંભવિત ધર્માંતરણ નેટવર્ક સાથે જોડ્યો છે. આ સંબંધમાં તૈયાર કરવામાં આવેલો તપાસ રિપોર્ટ રાજ્યપાલ અને મુખ્યમંત્રીને મોકલવામાં આવ્યો છે. વાસ્તવમાં ભોપાલની એક ખાનગી કોલેજમાં કેટલાક વિદ્યાર્થીઓએ વિદ્યાર્થિનીઓ પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેનો વીડિયો બનાવીને તેમને બ્લેકમેઇલ કર્યા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ એફઆઇઆર નોંધી તેમની ધરપકડ કરી છે.
રિપોર્ટ અનુસાર, આરોપીઓએ પીડિત વિદ્યાર્થીઓ પર દબાણ કર્યું કે તેઓ તેમની સાથે મિત્રતા કરવા માટે અન્ય છોકરીઓને લાવે નહીં તો તેમનો વીડિયો વાયરલ કરવામાં આવશે.
આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાટકરે ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરી હતી. આ સમિતિએ 3 મે થી 5 મે દરમિયાન ભોપાલમાં પીડિત વિદ્યાર્થીઓ, તેમના પરિવારના સભ્યો, પોલીસ અધિકારીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓને મળીને તપાસ હાથ ધરી હતી. સમિતિએ તે સ્થળોની પણ મુલાકાત લીધી જ્યાં પીડિતોને ડ્રગ્સ આપ્યા પછી અમાનવીય કૃત્યો કરવામાં આવ્યા હતા.
તપાસ સમિતિમાં નિર્મલ કૌર, આઈપીએસ (નિવૃત્ત), ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક, ઝારખંડ (અધ્યક્ષ), નિર્મલા નાયક, એડવોકેટ, હાઇકોર્ટ, જબલપુર (સભ્ય), અને આશુતોષ પાંડે, ઉચ્ચ સેક્રેટરી, રાષ્ટ્રીય મહિલા આયોગ (સભ્ય)નો સમાવેશ થતો હતો.
સમિતિના તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપીઓએ વિદ્યાર્થિનીઓને મોંઘી ભેટો, કપડાં અને ફરવા લઇ જવાની ઓફર કરીને પ્રેમ સંબંધમાં ફસાવી હતી. તેમને ડ્રગ્સ આપવામાં આવ્યું હતું, તેમના વાંધાજનક ફોટા લેવામાં આવ્યા અને તેમને બ્લેકમેઇલ કરવામાં આવ્યા. પીડિતાઓ માનસિક અને સામાજિક દબાણમાં છે છતાં તેમણે હિંમત બતાવી અને એફઆઇઆર નોંધાવી હતી. આરોપીઓના સામાન્ય પારિવારીક સ્થિતિ હોવા છતાં તેમની વૈભવી જીવનશૈલી ડ્રગ હેરફેર જેવા સંગઠિત ગુનાની શક્યતા તરફ ઈશારો કરે છે. સમિતિએ શોધી કાઢ્યું કે આરોપીઓએ પીડિતો પર ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું હતું, જે કાવતરાખોર નેટવર્કનો ભાગ હોઈ શકે છે. સમિતિએ સૂચન કર્યું કે રાજ્યવ્યાપી તપાસ હાથ ધરવામાં આવે અને એ તપાસવામાં આવે કે આરોપીઓને કોઈ સંગઠન તરફથી નાણાકીય મદદ મળી રહી હતી કે નહીં.





















