લાલચ, લૂંટ અને મોત: ખ્યાતી કાંડના મુખ્ય આરોપી કાર્તિકની ધરપકડથી અનેક ચોંકાનાવારા ખુલાસા
ઓસ્ટ્રેલિયાથી દુબઈ થઈ અમદાવાદ આવેલા કાર્તિક પટેલની એરપોર્ટ પરથી ધરપકડ, કરોડોનું કૌભાંડ અને દર્દીઓના મોત મામલે તપાસ તેજ.

Khyati scam Kartik Patel arrest: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કથિત કૌભાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક પૂછપરછમાં કાર્તિક પટેલે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ભૂતકાળમાં ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારો સાથે પૈસા અને સત્તાના જોરે સમાધાન કરવામાં આવતું હતું. મૃત્યુની અરજીની ફરિયાદ પોલીસ પાસેથી હેલ્થ વિભાગમાં જતી હતી અને આરોગ્ય વિભાગનું એક્સપર્ટ તબીબોનું બોર્ડ ઓપરેશનમાં થયેલી બેદરકારીની તપાસ કરતું હતું. ત્યારબાદ કાર્તિક ફરિયાદી સાથે 'સામ, દામ, દંડ, ભેદ'નો ઉપયોગ કરી સમાધાન કરતો હતો.
કાર્તિક નવો મોબાઈલ લઈને ભારત આવ્યો હતો અને જૂનો ફોન પુરાવા નાશ કરવાના ઈરાદે ફેંકી દીધો હોવાની સંભાવના છે. ખ્યાતિ કાંડના 4-5 દિવસ પહેલાં કાર્તિક પરિવાર સાથે ઓસ્ટ્રેલિયા ગયો હતો અને ત્યાંથી ન્યૂઝીલેન્ડ થઈ દુબઈ પહોંચ્યો હતો. તે દુબઈમાં પોતાના મિત્રો સાથે રહેતો હતો અને ખ્યાતિ કાંડ પર નજર રાખી રહ્યો હતો. પત્નીની તબિયત લથડતાં તે ભારત આવવા મજબૂર થયો હતો. વ્હીલચેર પર બેઠેલી પત્ની સાથે તે અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો જ્યાં ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. પત્નીના મેડિકલ રિપોર્ટની પણ તપાસ કરવામાં આવશે.
કાર્તિક પટેલના જમીન કૌભાંડની ED દ્વારા તપાસ ચાલી રહી છે. PMYAJ કૌભાંડને કારણે સરકારને થયેલા કરોડો રૂપિયાના નુકસાન અંગે કાર્તિકની મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે. ખ્યાતિ હોસ્પિટલે કેટલીક શરતોનો ભંગ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે તેની વિરુદ્ધ વધુ ફરિયાદો દાખલ થઈ શકે છે. હોસ્પિટલની આવક વધતાં કર્મચારીઓના પગાર વધારીને હોસ્પિટલને ખોટમાં દર્શાવવામાં આવી હતી. કાર્તિકે હોસ્પિટલને ખોટમાં દેખાડવા માટે બિનજરૂરી ખર્ચા પણ દર્શાવ્યા હતા. ચિરાગ રાજપૂતનો પગાર 6 કરોડ દર્શાવવામાં આવ્યો હતો. કાર્તિકે ખોટા રસ્તે બેન્ક ખાતામાંથી પૈસા કાઢવા અનેક રસ્તાઓ અપનાવ્યા હતા. કાર્તિકના કૌભાંડનો પર્દાફાશ કરવા માટે 36 લોકોના 164 નિવેદનો લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પૂર્વ કર્મચારીઓ, દર્દીઓ અને પૈસા ઉપાડનારા લોકો સરકારી સાક્ષી બન્યા છે.
ઘટનાની વિગતો
ઘટનાની શરૂઆત: 11 નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલમાં ગેરરીતિઓ સામે આવી હતી.
ધરપકડ: અત્યાર સુધીમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં હવે કાર્તિક પટેલનો પણ સમાવેશ થાય છે.
કાર્તિક પટેલની ભૂમિકા: કાર્તિક પટેલ મુખ્ય આરોપી છે અને ઘટના બાદ ફરાર થઈ ગયો હતો. તેની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી જેના આધારે તેની ધરપકડ થઈ છે.
તપાસ: ઈન્સ્યોરન્સ કંપની સાથેના વ્યવહારોની તપાસ કરવામાં આવશે. હોસ્પિટલમાં 3800થી વધુ દર્દીઓએ PMYAJ યોજનાનો લાભ લીધો હતો, જેની પણ તપાસ થશે. બેંક ખાતાનું ફોરેન્સિક ઓડિટ શરૂ કરવામાં આવ્યું છે.
કાર્તિક પટેલનો ભૂતકાળ: કાર્તિક યુવાનીમાં વીડિયો કેસેટ વેચતો હતો અને બાદમાં જમીન-મકાનનો વ્યવસાય શરૂ કર્યો હતો. ખ્યાતિ હોસ્પિટલના તમામ વ્યવહારો તે જ સંભાળતો હતો.
ફરાર થવાનો ઘટનાક્રમ: કાર્તિક 3 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા ગયો હતો, ત્યાંથી ન્યૂઝીલેન્ડ અને પછી દુબઈ ગયો હતો. પત્નીની તબિયત બગડતાં તે ભારત પાછો ફર્યો હતો અને એરપોર્ટ પરથી જ તેની ધરપકડ થઈ હતી.
FIR અને ફરિયાદો: અત્યાર સુધીમાં 3 FIR નોંધાઈ છે અને ચોથી ફરિયાદ PMYAJ યોજનાના બોગસ કાર્ડ કાઢનારાઓ સામે નોંધાઈ છે.
આ પણ વાંચો...
Saif Ali Khan Attack: સૈફ અલી ખાન હુમલા કેસમાં મધ્યપ્રદેશથી શંકાસ્પદની ધરપકડ, પૂછપરછ ચાલુ





















