Kheda crime: હાઈવે પર લૂંટ વિથ મર્ડરના કેસમાં પોલીસને મળી સફળતા, લૂંટારૂ ગેંગના આરોપીઓ જાણો ક્યાંથી ઝડપાયા
ખેડા જિલ્લામાં વાસી ઉત્તરાયણના દિવસે લૂંટ વિથ મર્ડરનો ગુનો બન્યો હતો. કપડવંજના મલકાણા ગામની સીમમાં હોટલના કંપાઉન્ડમાં એક કન્ટેનરની કેબિનમાં ચાલકનો મૃતદેહ મળી આવ્યો હતો.

નડિયાદ: ખેડા જિલ્લામાં વાસી ઉત્તરાયણના દિવસે લૂંટ વિથ મર્ડરનો ગુનો બન્યો હતો. કપડવંજના મલકાણા ગામની સીમમાં હોટલના કંપાઉન્ડમાં એક કન્ટેનરની કેબિનમાં ચાલકનો મૃતદેહ મળી આવ્યો હતો. ચાલકને ગંભીર રીતે મારમારી ઈજા પહોંચાડી તેમજ કન્ટેનરમાંથી માલસામાનની પણ લૂંટ કરવામાં આવી હતી. આ લૂંટ વિથ મર્ડર મિસ્ટ્રી જિલ્લા પોલીસ દ્વારા 48 કલાકમાં ડિટેક્શન કરાયું છે અને 4 આરોપીઓને અમદાવાદ-બાવળા હાઈવે પરથી પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધાયો હતો
દિલ્હીથી બંધ બોડીની કન્ટેનરમાં સીલીંગ ફેનનો જથ્થો ભરી ચાલક દેવેન્દ્રસિંહ નિરંજનસિંહ (રહે. દિલ્હી) મુંબઈ ડિલિવરી કરવા માટે નીકળ્યો હતો. કન્ટેનર ટ્રક ગત 15મી જાન્યુઆરીના રોજ વહેલી સવારના મોડાસા લાડવેલ રોડ પર આવેલ મલકાણા ગામ પાસે પહોંચતા ચાલક ત્યાં આવેલી એક હોટલ પર ગયો હતો. આ સમયે ત્યાં કોઈ વાહન લઈને લૂંટારૂ ગેંગ ઘસી આવી હતી અને લૂંટારુ ગેંગે કન્ટેનર ચાલક દેવેન્દ્રસિંહને બંધક બનાવ્યો હતો. આ દરમિયાન પ્રતિકાર કરનાર ટ્રક ચાલક દેવેન્દ્રસિંહની લૂંટારુ ગેંગે હત્યા કરી નાખી હતી. બાદમાં લૂંટારૂ ગેંગ બંધ બોડીની કન્ટેનર ટ્રકની પાછળના ભાગે ભરેલ અંદાજીત રૂપિયા 2.85 લાખની કિંમતના સીલીંગ ફેનની લૂંટ કરી સાથે લાવેલ વાહનમાં ભરી ફરાર થઈ ગયા હતા. પોલીસે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આરોપીઓને અમદાવાદ-બાવળા હાઈવે પરથી ઝડપી લીધા
ખેડા જિલ્લા પોલીસે બનાવના 48 કલાકમાં ગુનાનું પગેરું મેળવી લીધુ હતું. પોલીસે આરોપીઓને અમદાવાદ-બાવળા હાઈવે પરથી આઈસર સાથે પકડી પાડ્યા હતા. આ લૂંટને અંજામ આપનાર ઈસરાર વસીયતખાન ત્યાગી, વસીમ તુફેન મુસ્લિમ, સહજાદ મુનને કલઆ અને શહેજાદ અખતર (તમામ રહે.ઉત્તરપ્રદેશ)ને ઝડપી લેવામાં આવ્યા છે. આ સાથે લૂંટના સાધનો તેમજ લૂંટમા ગયેલ મુદ્દામાલ પૈકી અમૂક મુદ્દામાલ રીકવર કરાયો છે. પોલીસની પુછપરછમાં ઉત્તરપ્રદેશથી આઈસર ટ્રક લઈને લૂંટના ઈરાદે ગુજરાતમાં ઘૂસ્યા હતા. તેમજ આ લૂંટારુ ટોળકીનો અમદાવાદ-રાજકોટ હાઈવે પર પણ આ રીતે લૂંટનો ઈરાદો હતો. આ બનાવમાં લૂંટ પહેલા ચાલક અને કન્ટેનરની રેકી કરાઈ હતી. જ્યાં હાઈવેના હોટલ પર જમવા ઉતરેલા હતા ત્યાંથી સતત પીછો કરી બાદમાં અહીંયા મોકો મળતા લૂંટ કરી કન્ટેનર ચાલકની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.
ખેડા જિલ્લા પોલીસ દ્વારા ગુનાની ગંભીરતા સમજી એલસીબી, એસઓસોજી, સ્થાનિક પોલીસ સહિત 7 ટીમો બનાવી ગ્રાઉન્ડ ઝીરોથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. ખેડા જિલ્લાને જોડતા આસપાસના જિલ્લાના તેમજ રાજસ્થાનના મળી અંદાજે 200થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરાયા હતા. જેમાં ડાકોર પાસેથી સૌપ્રથમ પોલીસને ઈનપુટ મળ્યું હતું. આ સીસીટીવીમા શંકાસ્પદ આઈસર મળતા તે દિશામાં તપાસ હાથ ધરી હતી. આ ગુનાનુ પગેરું મળ્યું હતું.
આ લૂંટારુ ટોળકી ઉત્તરપ્રદેશની
આ 4 આરોપીઓ પૈકી બે ઈસમોનો લૂંટ, ચોરીના ગુનાનો ઈતિહાસ સામે આવ્યો છે. આ લૂંટારુ ટોળકી ઉત્તરપ્રદેશની આઈસર ટ્રક લઈને નીકળ્યા હતા અને જે ટ્રકમા માલસામાન કિંમતી લાગે તેનો પીછો કરી રેકી કરતા હતા અને ત્યારબાદ અવાવરુ વિસ્તાર આવે એટલે ટાર્ગેટ કરી લૂંટને અંજામ આપી ભાગી જવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. પોલીસે આ ચારેય આરોપીઓના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. આ ઘટના બની તે પહેલા રેકી કરી કન્ટેનરમાં ચેક પણ આરોપીઓએ કર્યુ હતું બાદમાં લૂંટને અંજામ આપ્યો છે.
પાટણ તાલુકાના આ ગામમાં વહેલી સવારે રેફ્રિજરેટરમાં થયો બ્લાસ્ટ, કોઈ જાનહાની નહીં





















