પબજી રમતો હતો બેરોજગાર પતિ, ના પાડવા પર કરી દીધી પત્નીની હત્યા, છ મહિના અગાઉ કર્યા હતા લગ્ન
લગ્નના છ મહિના પછી જ પતિએ તેની પત્નીની હત્યા કરી દીધી હતી.

મધ્યપ્રદેશ રીવાના ગુઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક નવપરિણીત મહિલાના શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. લગ્નના છ મહિના પછી જ પતિએ તેની પત્નીની હત્યા કરી દીધી હતી. પોલીસનું કહેવું છે કે આરોપીની બેરોજગારી અને PUBG ગેમનું વ્યસન આ ગુનાનું કારણ બન્યું હતુ. મૃતકના પરિવારનો આરોપ છે કે દહેજની માંગ અને ઘરેલુ હિંસાએ તેમની પુત્રીનો જીવ લીધો હતો.
29 નવેમ્બરની સવાર નેહા પટેલના પરિવાર માટે એક દુઃસ્વપ્નથી ઓછી નહોતી. નેહાના ભાઈ શેર બહાદુરને મોબાઈલ પર બનેવી રંજીત તરફથી મેસેજ આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, "મેં નેહાની હત્યા કરી છે. આવો અને તેનો મૃતદેહ લઈ જાઓ." આ મેસેજ મળતાં પરિવાર નેહાના ઘરે દોડી ગયો, જ્યાં નેહાનો મૃતદેહ રૂમમાંથી મળી આવ્યો હતો. પરિવારે જણાવ્યું કે તેણીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે.
લગ્ન પછીથી દહેજ માટે ત્રાસ આપવામાં આવતો હતો
નેહાના લગ્ન 5 મે, 2025ના રોજ ગુઢના રહેવાસી રંજીત પટેલ સાથે થયા હતા. પરિવારના જણાવ્યા મુજબ, લગ્ન પછી તરત જ તેના સાસરિયાઓ તરફથી દહેજ માટે દબાણ અને ત્રાસ શરૂ થયો હતો. રોજિંદા ઝઘડા, મારપીટ અને ટોણા સહન કરતી નેહા ઘણીવાર વિવાદના કારણે તેના માતાપિતાના ઘરે જતી હતી.
ભાઈ શેર બહાદુરે કહ્યું હતું કે, "મારી બહેનને દહેજ માટે ત્રાસ આપવામાં આવતો હતો. દરરોજ ઝઘડા થતા હતા. 28મી તારીખે પણ ઝઘડો થતો હતો. 29મી તારીખે અમને મેસેજ મળ્યો કે નેહાની હત્યા કરવામાં આવી છે. જ્યારે અમે પહોંચ્યા ત્યારે મારી બહેનનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આરોપી બનેવી ફરાર છે."
પતિની બેરોજગારી અને PUBG ના વ્યસનને કારણે વિવાદો વધતા ગયા
ગુઢના SDOP ઉદિત મિશ્રાએ જણાવ્યું કે પતિ-પત્ની નિયમિત રીતે લડતા હતા. તેમણે કહ્યું હતું કે રંજીત બેરોજગાર હતો અને PUBG રમવાનો વ્યસની હતો. તેની પત્ની તેને કામ કરવાનો આગ્રહ રાખતી હતી જેના કારણે તેમની વચ્ચે વિવાદો વધતા હતા. 29મી તારીખે સવારે નેહાનો મૃતદેહ મળી આવ્યો હતો. પહેલી નજરે તો આ હત્યાનો મામલો લાગે છે. આરોપી પતિ ફરાર છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.





















