લિવ-ઇન રિલેશનશિપનો ખૌફનાક ચહેરો, લગ્નનું દબાણ કરતાં યુવતીની લાશને સૂટકેસમાં સળગાવી દીધી
પ્રેમ સંબંધનો કરુણ અંત, લગ્નનું દબાણ અને સંબંધ તોડવાની ઈચ્છા હત્યાનું કારણ બન્યું.

Delhi Murder: દિલ્હીના ગાઝીપુરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક યુવકે પોતાની પિતરાઈ બહેનની હત્યા કરી તેની લાશને સૂટકેસમાં રાખી સળગાવી દીધી. આ ઘટના પ્રેમ સંબંધ, લગ્નનું દબાણ અને સંબંધ તોડવાની ઈચ્છાના કારણે બની હતી.
22 વર્ષીય અમિત તિવારી નામના યુવકે તેની 22 વર્ષીય પિતરાઈ બહેન શિલ્પા પાંડેની હત્યા કરી હતી. બંને ગયા વર્ષે ઓક્ટોબરથી લિવ-ઇન રિલેશનશિપમાં હતા. શિલ્પા અમિત પર લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી, જ્યારે અમિત આ સંબંધ ખતમ કરવા માંગતો હતો. આ બાબતે થયેલા ઝઘડામાં અમિતે શિલ્પાનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી.
રવિવારે પોલીસને ગાઝીપુરમાં એક નિર્જન જગ્યાએ એક સૂટકેસ મળ્યાની જાણ થઈ. સૂટકેસ ખોલતા તેમાં એક બળેલી લાશ મળી આવી. પોલીસે હત્યા અને પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. સીસીટીવી ફૂટેજમાં એક હ્યુન્ડાઈ વર્ના કાર દેખાતા પોલીસે કારના માલિકની પૂછપરછ કરી. માલિકે જણાવ્યું કે તેણે આ કાર અમિત તિવારીને વેચી હતી. પોલીસે અમિત અને તેના મિત્ર અનુજ કુમારની ધરપકડ કરી.
પૂછપરછ દરમિયાન અમિતે જણાવ્યું કે શિલ્પા તેના પર તેના પરિવારને છોડી દેવા માટે દબાણ કરી રહી હતી, જેથી તેઓ કાયમ સાથે રહી શકે. શિલ્પાએ અમિત અને તેના પરિવારને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. શનિવારે રાત્રે નશામાં ધૂત અમિતે શિલ્પા સાથે ઝઘડો કર્યો અને ગુસ્સામાં તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી. ત્યારબાદ તેણે અનુજની મદદથી લાશનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો.
અમિતની શરૂઆતની યોજના લાશને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ક્યાંક ફેંકી દેવાની હતી. પરંતુ બે ચેક-પોઈન્ટ વટાવ્યા પછી તેણે લાશને નજીકમાં જ ફેંકી દેવાનો નિર્ણય કર્યો. બંનેએ પેટ્રોલ પંપ પરથી ડીઝલ ખરીદ્યું અને નિર્જન વિસ્તારમાં પહોંચી સૂટકેસને આગ ચાંપી દીધી.
પોલીસે જણાવ્યું કે, શરૂઆતમાં અમારી પાસે કોઈ સંકેત નહોતો. માત્ર બળેલી સૂટકેસ અને બળી ગયેલી લાશ મળી હતી. અમે સીસીટીવી દ્વારા 20 થી 25 વાહનોની હિલચાલ તપાસીએ છીએ. ત્યારે એક શંકાસ્પદ યુપી નંબરનું હુન્ડાઈ વર્ના વાહન મળી આવ્યું હતું. આ વાહન લોનીના એક વ્યક્તિના નામે નોંધાયેલું મળી આવ્યું હતું. લોનીમાં જ્યારે વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું કે તેણે આ કાર અમિત તિવારી નામના વ્યક્તિને વેચી હતી. આ પછી અમિત તિવારી વિશે માહિતી મળી હતી. શિલ્પાના માતા-પિતા સુરતમાં રહે છે અને ત્યાં નોકરી કરે છે. આરોપી અમિત તિવારી પ્રયાગરાજ સ્થિત પોતાના ઘરે ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો.
આ પણ વાંચો....
ગાડી બદલવાનો સુવર્ણ અવસર: સ્ક્રેપિંગ પોલિસીમાં 50% સુધીની છૂટ! પરિવહન મંત્રાલયનો મોટો નિર્ણય




















