Surat Crime: ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, દાનપેટી તોડી ચોરી કરી ફરાર
સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિરને રાત્રિ દરમિયાન ત્રાટકેલા તસ્કરોએ મંદિરને નિશાન બનાવી ત્રણ જેટલી દાનપેટી માંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા છે.
સુરત: ડાયમંડ સિટી સુરતમાં હવે ભગવાનના મંદિરો પણ સલામત રહ્યા નથી. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિરને રાત્રિ દરમિયાન ત્રાટકેલા તસ્કરોએ મંદિરને નિશાન બનાવી ત્રણ જેટલી દાનપેટી માંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા છે. બુકાની ધારી ત્રણ જેટલા ચોર શખ્સોએ ચોરીની આ ઘટનાને અંજામ આપી ફરાર થઈ જતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઘટના અંગે ઉધના પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા તસ્કરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
સુરતમાં તસ્કરોએ ફરી એક વખત તરખાટ મચાવ્યો છે. હમણાં સુધી તો ઘર,ઓફીસ,દુકાનોને તસ્કરો નિશાન બનાવતા હતા પરંતુ હવે ભગવાનના મંદિરોને પણ તસ્કરો દ્વારા નિશાન બનાવી રહ્યા છે. આવી જ એક ઘટના સુરતના ઉધના વિસ્તારમાં આવેલ મહાદેવ મંદિરને તસ્કરોએ નિશાન બનાવી ત્રણ જેટલી દાનપેટીમાંથી ચોરી કરી ફરાર થઇ ગયા છે.
મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર, ઉધના ભગવતી નગર સોસાયટીના કોમન પ્લોટમાં 30 વર્ષ જૂનું ઓમકારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જે મંદિરને તસ્કરોએ રાત્રિ દરમિયાન નિશાન બનાવ્યું છે. મંદિરમાં ત્રાટકેલા ત્રણ જેટલા બુકાનીધારી તસ્કરોએ ત્રણ જેટલી દાનપેટીના નીચેના ભાગને તોડી રોકડ સહિતની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા છે. જે સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવીમાં ઘરફોડ ચોરીની લાઈવ ઘટના નજરે પડી રહી છે. જે ત્રણેય તસ્કરોએ મોઢે રૂમાલ બાંધી મંદિરમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ મંદિરમાં રહેલી દાનપેટીને નિશાન બનાવી ફરાર થઇ ગયા છે.
સવારે સાડા પાંચ વાગ્યે મંદિરના કપાટ ખોલતા દાનપેટી તૂટેલી હાલતમાં જોવા મળી હતી. જ્યારે અન્ય પૂજાપાનો સામાન પણ વેરવિખેર જોવા મળ્યો હતો.ઘટનાની જાણ ઉધના પોલીસને કરવામાં આવી હતી.જ્યાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ત્રણ દાનપેટીમાં ભક્તો દ્વારા આપવામાં આવેલ દાનનો ફાળો હતો. જેનો આંક હાલ જાણી શકાયો નથી.બીજી તરફ મંદિરમાં થયેલી ઘરફોડ ચોરીની ઘટનાથી સૌ ભાવિક ભક્તોએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.જ્યાં સુરત શહેરમાં ઘરફોડ ,સ્નેચિંગ ,હત્યા જેવી બનતી ઘટનાઓને લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા થઇ રહ્યા છે. જ્યારે સ્થાનિક પોલીસની પેટ્રોલિંગની કામગીરી સામે પણ સવાલ ઉભા થઇ રહ્યા છે.