Vadodara: વડોદરાની આ સ્કૂલમાંથી ધોરણ સાતના 4 વિદ્યાર્થીઓ પાસેથી દારૂની બોટલ અને સિગરેટ મળી આવ્યા
ઘટનાની જાણ વાલીઓ સુધી પહોંચતા તેમણે સ્કૂલ મેનેજમેન્ટને વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
વડોદરાઃ વડોદરામાં વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો બન્યો હતો. મળતી જાણકારી અનુસાર, વડોદરામા સમાં સાવલી રોડની સ્કૂલમાં 4 વિદ્યાર્થીઓ પાસેથી દારૂની બોટલ અને સિગરેટ મળી આવતા ચકચાર મચી ગઇ છે. સમાં સાવલી રોડ પર આવેલી અંબે સ્કૂલમાં ધોરણ સાતના 4 વિદ્યાર્થીઓ પાસેથી દારૂની બોટલ અને સિગરેટ મળી આવ્યા હતા.
ઘટનાની જાણ વાલીઓ સુધી પહોંચતા તેમણે સ્કૂલ મેનેજમેન્ટને વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. અંબે સ્કૂલના સંચાલકોએ ચારેય વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા હોવાની વાત સામે આવી રહી છે. વિદ્યાર્થીઓ શાળામાં દારૂ અને સિગરેટ કેવી રીતે લાવ્યા અને શું તે લોકો જ દારૂ અને સિગરેટનો નશો કરતા હતા તે મામલે પણ તપાસ હાથ ધરાઇ છે. જો કે શાળાએ આ મામલે સત્તાવાર જાણકારી આપી નથી.
જૂનાગઢમાં બે લોકોના અચાનક થયેલા મોતના કેસમાં થયો મોટો ખુલાસો, જાણો
જૂનાગઢ: થોડા દિવસો પહેલા જૂનાગઢના બે રીક્ષાચાલકોના દારુ પીધા બાદ મૃત્યુ થયા હોવાના સમાચાર વહેતા થયા હતા. આ સમાચાર વાયુવેગે પ્રસરતા રાજ્યમાં લઠ્ઠાકાંડની ભીતિ ફરી ઉદ્દભવી હતી. સમગ્ર રાજયમાં ખળભળાટ મચી ગયો હતો અને બોટાદ બાદ લઠ્ઠાકાંડથી વધુ એક ઘટના સર્જાતા પોલીસ વિભાગ સામે બેદરકારીના આક્ષેપો થવા લાગતા સરકાર પણ ચોંકી ઉઠી હતી. આ ઘટનાની તપાસ માટે ગાંધીનગરથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દોડી આવ્યા હતા. દરમિયાન આ બનાવ લઠ્ઠાકાંડ નહિં પરંતુ પૂર્વયોજીત હત્યાકાંડ હોવાનું ખુલતા સનસનાટી મચી જવા પામી છે.
જૂનાગઢ શહેરનો ગાંધી ચોક જ્યાં 4 દિવસ પહેલાં સનસની મચી ગઈ હતી. જ્યારે 2 રિક્ષાચાલકના શંકાસ્પદ મોત થયા હતા. પોલીસે આ કેસનો ભેદ ઉકેલી લીધો છે. તપાસમાં ખુલ્યું કે આ બનાવ હત્યાનો છે. આરોપી મૃતકની જ પત્ની અને તેનો પ્રેમી છે. વાત એમ છે કે, ચાર દિવસ પહેલાં રફીક અને જૉનના બે રિક્ષાચાલકોએ સોડાની બોટલમાંથી જેવું પીણું પીધું બંને તરફડીયા મારવા લાગ્યા હતા અને તેમનું મોત થયું હતું
પોલીસે સોડાની બોટલમાંથી પીણાના સેમ્પલ લઈ તપાસ કરતા તેમાં સાઈનાઈડ મિલાવ્યું હોવાનું ખુલ્યું છે. તપાસમાં એ પણ બહાર આવ્યું કે પ્રેમસંબંધમાં રિક્ષાચાલક રફીકની હત્યા કરાઈ હતી. હત્યામાં મૃતક રફીકની જ પત્ની મહેમુદા સામેલ હતી. તેનો પ્રેમી આસિફ અને તેનો મિત્ર ઈમરાન મહેમુદા અને આસિફ વચ્ચે 1 વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંને લગ્ન કરવા ઈચ્છતા હતા. આ માટે બંનેએ રફીકની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. હત્યાના 2 પ્રયાસ તો નિષ્ફળ રહ્યા હતા. ત્રીજી વખત તેઓ પોતાના પ્લાનમાં સફળ રહ્યા હતા. હાલ તો પોલીસ એ તપાસ કરી રહી છે કે, આરોપીઓ સાઈનાઈડ ક્યાંથી લાવ્યા હતા.