ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે પસાર, રાજ્યમાં હાલ ૧૦૮ યુનિવર્સીટી કાર્યરત
Private university policy Gujarat: ખાનગી યુનિવર્સિટીના નામ, સ્થાન તથા અધિકાર ક્ષેત્રમાં ફેરફાર જેવી બાબતોમાં સુધારો લાગુ કરવાની વહીવટી પ્રક્રિયા સરળ બનાવાઈ: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા
Private University Reform Bill Gujarat: શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના વિધાર્થીઓની ઉચ્ચ અભ્યાસની જરૂરિયાત પૂર્ણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની ખાનગી યુનિવર્સીટીના નામ,સ્થાન તથા અધિકાર ક્ષેત્રમાં ફેરફાર જેવી બાબતોમાં સુધારો લાગુ કરવાની વહીવટી પ્રક્રિયા સરળ બનાવાઈ છે.
વિધાનસભા સત્રમાં ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક રજૂ કરતાં મંત્રી પાનસેરીયાએ જણાવ્યું હતું કે, આ સુધારા વિધેયક લાગુ થવાથી યુનિવર્સીટીના નામ તથા સ્થાન ફેરફાર કરવા જેવી બાબતોમાં સુધારો કરવા માટે વિધાનસભામાં લાવવાની જરૂર નહિ રહે. ભૂતકાળમાં ગુજરાતમાં યુનિવર્સીટીઓ મર્યાદિત હોવાથી ગુજરાતના વિદ્યાર્થીઓને અન્ય રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે જવું પડતું હતું. પરંતુ હાલ ગુજરાતમાં ૧૦૮ યુનિવર્સિટીઓ કાર્યરત છે જેમાં માત્ર ગુજરાતના વિદ્યાર્થીઓ નહીં પરંતુ અન્ય રાજ્ય અને દેશના વિધાર્થીઓ પણ અભ્યાસ અર્થે ગુજરાતમાં આવે છે.
મંત્રી પાનસેરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત ખાનગી યુનિવર્સિટી વિધેયક ,૨૦૦૯માં સુધારો કરવા આ કાયદાને ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક, ૨૦૨૪ તરીકે રજૂ કરવામાં આવેલ છે.
ગુજરાત ખાનગી યુનિવર્સિટી વિધેયક , ૨૦૦૯ “પ્રિન્સીપાલ એક્ટ”ના સેક્શન ૧૦માં રાજ્ય સરકાર, રાજપત્રમાં જાહેરનામાથી, અનુસૂચિની કોઇ વિદ્યમાન કોલમ અથવા નોંધમાં ફેરફાર કરી શકશે. તેવી સુધારા જોગવાઈ દાખલ કરવામાં આવેલ છે.
મંત્રી પાનસેરીયાએ ઉમેર્યું હતું કે, શિક્ષણ પ્રણાલીમાં ટેક્નિકલક્ષેત્રે થયેલા સુધારા, કૌશલ્ય આધારિત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત નવા ક્ષેત્રોમાં કુશળ માનવબળની જરૂરિયાત, દેશ અને વિશ્વની અર્થવ્યવસ્થામાં આવેલા બદલાવ જેવા કારણોસર વિધાર્થીઓના હિતમાં નોંધપાત્ર ફેરફાર થઈ રહ્યા છે. ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રમાં છેલ્લા ૨૦ વર્ષમાં અન્ય રાજ્યોની સરખામણીમાં શિક્ષણની ગુણવત્તાને ઉત્તમ બનાવવા અનેક સુધારાઓ કરાયા છે. તેમજ શિક્ષણ ક્ષેત્રમાં વિવિધ નવી ટેકનીકલ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ગુજરાતમાં એન્જિનિયરિંગ અને મેડીકલના વિદ્યાર્થીઓની સંખ્યા વિશે વાત કરતાં તેમણે કહ્યું હતુ કે, ગુજરાતમાં મેડીકલ અને પેરામેડીકલમાં ર,૦૭,૩૦ર વિદ્યાર્થીઓ તથા ટેકનિકલ ક્ષેત્રમાં ૩,૯૧,ર૧૩ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગુજરાતમાં વર્ષ ર૦૦૧માં નવ મેડીકલ કોલેજો કાર્યરત હતી. જેમાં કુલ ૧,૧રપ એમ.બી.બી.એસ.ની બેઠકો હતી, જયારે હાલમાં રાજયમાં ૪૦ મેડીકલ કોલેજો કાર્યરત છે. જેમાં ૭,૦પ૦ જેટલી એમ.બી.બી.એસ.ની બેઠકો છે.
ભારતમાં ફકત ગુજરાતમાં જ હોય તેવી યુનિવર્સિટી વિશે વાત કરતાં મંત્રીએ ઉમેર્યું હતું કે, ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર એજયુકેશન (IITE), ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી તથા લકુલેશ યોગ યુનિવર્સિટી એ એવી યુનિવર્સિટી છે જે ભારતમાં ફક્ત ગુજરાતમાં આવેલી છે. યુનિવર્સિટીઓમાં સતત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન, નવીનીકરણ, સ્માર્ટ વર્ગખંડો અને અદ્યતન છાત્રાલયની જરૂરિયાત પૂર્ણ થવાથી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ વિશ્વકક્ષાની બનશે. વિશ્વભરમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા ગુજરાતમાં આવશે.
રાજ્ય સરકારે ઉચ્ચ શિક્ષણની ગુણાત્મક અને ઉદ્યોગ સંબંધિત જોગવાઈ માટે તથા કાયદાની જોગવાઇઓ અનુસાર તેમની કામગીરીનું અસરકારક નિયમન થાય તે માટે રાજ્યમાં પ્રાઇવેટ યુનિવર્સિટીઓ સ્થાપવાની જોગવાઇ કરવા માટે ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ, ૨૦૦૯ અમલમાં મૂક્યો છે. જે અન્વયે હાલમાં રાજ્યમાં કુલ ૬૫ ખાનગી યુનિવર્સિટીઓ કાર્યરત છે. ગુજરાતની એફીલેટેડ કોલેજોમાં ૧,૮૩૩ તથા ગુજરાતની યુનિવર્સિટીઓમાં ર,૦૭૧ એટલે કે કુલ ૩,૯૦૪ વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાતમાં અભ્યાસ કરી રહ્યાં છે.
ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક, ૨૦૨૪ના અમલ દ્વારા તમામ ખાનગી યુનિવર્સિટીના મૂળભૂત શૈક્ષણિક લક્ષ્યાંકો સિદ્ધ થશે તથા આજના વિકસતા અર્થતંત્ર સાથે કદમ મિલાવી સફળતાના શિખર સર કરશે તેવા આશય સાથે લેવાયેલું ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક વિધાનસભા ગૃહ ખાતે પસાર થયું હતું.
Education Loan Information:
Calculate Education Loan EMI