દાદા સાહેબ ફાળકે એવોર્ડ જીતનાર Asha Parekh, બાળ કલાકારથી ધ હિટ ગર્લ સુધીની આવી રહી છે સફર
દાદા સાહેબ ફાળકે એવોર્ડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ પીઢ અભિનેત્રી આશા પારેખને આ વર્ષે 2022માં આપવામાં આવશે.
Dadasaheb Phalke Awards Asha Parekh: દાદા સાહેબ ફાળકે એવોર્ડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ પીઢ અભિનેત્રી આશા પારેખને આ વર્ષે 2022માં આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ માહિતી આપી છે. તેની જાહેરાત 20 ફેબ્રુઆરીએ જ કરવામાં આવી હતી.
30 સપ્ટેમ્બરે નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ દરમિયાન આશા પારેખને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. 60 અને 70ના દાયકામાં બોલિવૂડ પર રાજ કરતી વખતે આશા પારેખે ઘણી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે. આશા પારેખે અત્યાર સુધી 95 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.
તેમના સમયની મોંઘી અભિનેત્રી
આશા પારેખ બોલિવૂડમાં 'ધ હિટ ગર્લ' તરીકે પણ જાણીતાં છે. અભિનેત્રીએ તેની સમગ્ર કારકિર્દી દરમિયાન કોમર્શિયલ ફિલ્મોમાં ઘણી ખ્યાતિ મેળવી છે. આશા પારેખ તેના સમયની ટોચની અને સૌથી મોંઘાં અભિનેત્રી રહ્યાં છે. આશા પારેખને ધ હિટ ગર્લ તરીકે નામના મળવાનું કારણ એ હતું કે, 1960 અને 1970ના દાયકામાં સૌથી વધુ હિટ ફિલ્મો આપવાનો રેકોર્ડ આશા પારેખે જ બનાવ્યો હતો.
આ રહી કેટલીક હિટ ફિલ્મોના નામ
આશા પારેખની હિટ ફિલ્મોમાં 'જબ પ્યાર કિસી સે હોતા હૈ', 'ફિર વહી દિલ લાયા હૂં', 'તીસરી મંઝિલ', 'બહાર કે સપને', 'પ્યાર કા મૌસમ', 'કટી પતંગ' અને 'કારવાં'નો સમાવેશ થાય છે. આશા પારેખ માત્ર જાણીતાં અભિનેત્રી જ નથી પણ એક અદ્ભુત ક્લાસિકલ ડાન્સર પણ છે.
બાળ કલાકાર તરીકે કામ કર્યુંઃ
આશાએ નાનપણથી જ ડાન્સ શીખવાનું શરૂ કર્યું હતું. આ સાથે તેમણે બાળ કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. માત્ર 10 વર્ષની ઉંમરે આશા 1952માં આવેલી ફિલ્મ 'માં'માં જોવા મળી હતી. આ પછી, તેણે કેટલીક વધુ ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું, જો કે થોડા સમય પછી તેમણે અભિનય છોડી દીધો અને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ પછી આશા પારેખે 'દિલ દેકે દેખો'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેમની સાથે શમ્મી કપૂર જોવા મળ્યા હતા.
આશા પારેખે ઘણા પુરસ્કાર જીત્યા
અભિનેત્રી હોવા ઉપરાંત આશા પારેખ નિર્માતા અને ડાયરેક્ટર પણ રહી ચુક્યા છે. આશા પારેખને વર્ષ 1992માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેમને બીજા ઘણા એવોર્ડ મળ્યા. આ ઉપરાંત 'અખંડ સૌભાગ્યવતી' માટે તેમને વર્ષ 1963માં શ્રેષ્ઠ અભિનેત્રીનો ગુજરાત રાજ્ય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. વર્ષ 1971માં આવેલી ફિલ્મ કટી પતંગ માટે આશા પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.