Obama List : બરાક ઓબામાએ શેર કર્યું 2022માં ફેવરિટ ફિલ્મ્સનું લિસ્ટ, ભારતીય કેટલી?
છેલ્લા કેટલાક વર્ષોથી ઓબામા વર્ષના અંતે સોશિયલ મીડિયા પર તેમના મનપસંદ આર્ટ વર્કની યાદી શેર કરે છે. વર્ષ 2022 માટે તેમની યાદી ઘણી રસપ્રદ છે.
Barack Obama Favourite Movies Of 2022: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ ફિલ્મોના શોખીન છે. તેમણે હંમેશની માફક આ વર્ષે પણ ઓબામાએ તેમની મનપસંદ ફિલ્મો, ગીતો અને પુસ્તકોની યાદી સોશિયલ મીડિયા પર શેર કરી છે. વર્ષ 2022 માટે ઓબામાની મનપસંદ ફિલ્મોની યાદીમાં કોઈ ભારતીય ફિલ્મ નથી. જેથી આ યાદી જોઈને સોશિયલ મીડિયા પર યુઝર્સ રોષે ભરાયા છે. આ સ્થિતિમાં એક ચાહકે ઓબામાને મજેદાર અંદાજમાં સાઉથની ફિલ્મ જોવાની અપીલ કરી હતી.
ચાહકોએ ઓબામાની યાદીમાં એક ગેપ જોયો
છેલ્લા કેટલાક વર્ષોથી ઓબામા વર્ષના અંતે સોશિયલ મીડિયા પર તેમના મનપસંદ આર્ટ વર્કની યાદી શેર કરે છે. વર્ષ 2022 માટે તેમની યાદી ઘણી રસપ્રદ છે જેમાં 'ટોપ ગન: મેવેરિક', 'આફ્ટરસન અને ટાર' જેવી ફિલ્મોના નામ સામેલ છે. જોકે તેમની આ યાદીમાં કોઈ જ ભારતીય ફિલ્મને સ્થાન આપવામાં આવ્યું નથી. કેટલાક ભારતીય ચાહકોએ જોયું કે આ વર્ષની બ્લોકબસ્ટર દક્ષિણ ભારતીય ફિલ્મ RRR ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની યાદીમાં નથી, તેથી યુઝર્સે તેમને ફિલ્મ જોવાની ભલામણ કરી હતી.
I saw some great movies this year – here are some of my favorites. What did I miss? pic.twitter.com/vsgEmc8cn8
— Barack Obama (@BarackObama) December 23, 2022
પૂર્વ રાષ્ટ્રપતિની ફેવરિટ ફિલ્મોની યાદી
શુક્રવારે મોડી રાત્રે બરાક ઓબામાએ તેમના ટ્વિટર પર 'બરાક ઓબામાઝ ફેવરિટ ફિલ્મો ઓફ 2022' શીર્ષક સાથે દસ ફિલ્મોની યાદી શેર કરી હતી. સાથે જ તેમણે લખ્યું હતું કે, મેં આ વર્ષે કેટલીક શાનદાર ફિલ્મો જોઈ - અહીં મારી કેટલીક મનપસંદ ફિલ્મો છે, હું શું ચૂકી ગયો?" આ યાદીમાં કોરિયન બ્લોકબસ્ટર 'ડિસિઝન ટુ લીવ', સાયન્સ ફિક્શન સેન્સેશન એવરીવેર ઓલ એટ વન્સ, ફ્રેન્ચ ડ્રામા પેટિટ મામન તેમજ ટોપ ગન: મેવેરિક, આફ્ટર યાંગ, ટાર, ધ વુમન કિંગ, હેપનિંગ જેવી લોકપ્રિય ફિલ્મોનો સમાવેશ થાય છે. આ યાદીમાં ઓબામાની પ્રોડક્શન કંપની હાયર ગ્રાઉન્ડ પ્રોડક્શન્સ દ્વારા બનાવવામાં આવેલી નેટફ્લિક્સ ડોક્યુમેન્ટરી પણ સામેલ છે.
ચાહકોએ સાઉથ બ્લોકબસ્ટરની યાદ અપાવી
આ ટ્વીટ બાદ ઘણા ચાહકો અને વિવેચકોએ ઓબામાને કેટલીક ફિલ્મો પસંદ કરવા માટે અપીલ કરવાનું શરૂ કર્યું. એક યુઝરે ઓબામાને સાઉથ ફિલ્મ ડાયરેક્ટર એસએસ રાજામૌલીની તેલુગુ બ્લોકબસ્ટર આરઆરઆર જોવાની વિનંતી કરી હતી. યુએસએ ટુડેના વિવેચક બ્રાયન ટ્રુઇટે લખ્યું હતું કે, "મને લાગે છે કે તમારે ખરેખર આરઆરઆર સર્ચ કરવું જોઈએ..."
ફિલ્મ નિર્માતા ડેન કેરિલો લેવીએ પણ પોતાની ભલામણ કરતી યાદીમાં RRRનો સમાવેશ કર્યો હતો. આ ઉપરાંત ઘણા ટ્વિટર યુઝર્સે લખ્યું હતું કે, “મિસ્ટર પ્રેસિડેન્ટ, જુઓ RRR. તે તમને ગમશે."