ગાંધીનગર: ઉનાના કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશ સાથે ફોન પર કોઈ અજાણ્યા શખસે પ્રાઈવેટ નંબરથી ધમકીના ટોનમાં બેફામ ગાળાગાળી કરી હોવાની ઘટના બની છે. બે દિવસ સતત ફોન કરનાર અજાણી વ્યક્તિ તેમને શારીરિક નુકસાન પહોંચાડી શકે તેવી શંકા વ્યક્ત કરતાં પૂંજાભાઈએ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં પ્રાઈવેટ નંબર ધારક અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે.
2/4
પોલીસે ગુનો દાખલ કરીને અજાણ્યા પ્રાઈવેટ નંબર ધારકને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. હાલ સેક્ટર-21 પોલીસ સ્ટેશનના પીઆઇ ટી. એલ. વાઘેલાએ પ્રાઇવેટ નંબર કોનો છે તે જાણી ધમકીભર્યો ફોન કરનાર આરોપી સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
3/4
તેમણે આ મુદ્દે ફરિયાદમાં કહ્યું છે કે, મને શંકા છે કે, આ વ્યક્તિ દ્વારા કરવામાં આવતો કોલ બદઈરાદાનો હોઈ શકે છે, મને આશંકા છે કે, કોઈ મને શારીરિક નુકશાન પણ પહોંચાડવા માંગે છે. જોકે, તેમણે ફરિયાદમાં કોઈના પર શંકા નહી હોવાનું જણાવી અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ પોતાના લેટર પેડમાં લખી ફરીયાદ નોંધાવી છે.
4/4
પ્રાપ્ત માહિતી મુજબ, કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈને તા. 3 જાન્યુઆરીએ કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરી ગંદી ગંદી ગાળો આપી. તેમણે ફરીયાદમાં કહ્યું છે કે, ગાંધીનગર સ્થિત મારા ઘરે હતો ત્યારે વહેલી સવારે 6 વાગ્યે એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો અને મને બિભત્સ ગાળો આપવામાં આવી, જેને લઈ મે ફોન કટ કરી દીધો. ત્યારબાદ બપોરે ફરી એજ નંબર પરથી કોલ આવ્યો પરંતુ મે ઉપાડ્યો નહી. તે પછી 4 જાન્યુઆરીએ ફરી આ નંબર પરથી ફોન આવ્યો પરંતુ તે સમયે પણ મે ઉપાડ્યો નહી.