ગાંધીનગરઃ લોકરક્ષક દળની પરીક્ષા લીક મામલે પોલીસને વધુ સફળતા મળી છે. પોલીસે આ મામલે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ ચાર આરોપીઓના નામ પ્રતિક, નરેન્દ્ર, અજય અને ઉત્તમ છે. આમ આ મામલે અત્યાર સુધી કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીક મામલે ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી મહત્વપૂર્ણ ખુલાસા કર્યા હતા. આ કેસમાં દિલ્હીની એક ગેંગની સંડોવણી પણ બહાર આવી હતી.
2/5
મયુર ચાવડાએ કહ્યું હતું કે જે વિદ્યાર્થીઓ ગાડીમાં બેસીને દિલ્હી ગયા હતા તે બધાએ દિલ્હીની ગેંગને પાંચ લાખ રૂપિયાનો કોરો ચેક આપ્યો હતો. આ કોરા ચેક ઉપર એવી શરત હતી કે તમે પેપર જોઈ લો તે સવાલો સાચા પડે તો પછી ગેંગના નામે આ ચેક લખી લેવાની યોજના હતી.
3/5
દિલ્હીની ગેંગ પોતાની ચાર ગાડી લઈને આવી હતી. પરીક્ષાર્થીઓની ચાર ગાડી ગુડગાંવમાં જ મુકી દેવામાં આવ્યા હતા, અને પોતાની ગાડીઓમાં તેમને દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. દિલ્હી પહોંચી પાંચ પાંચના ગ્રુપમાં આ પરીક્ષાર્થીઓ અલગ-અલગ વહેંચાઈ ગયા હતા. તેમને અલગ-અલગ જગ્યા પર લઈ જવામાં આવ્યા હતા.
4/5
દિલ્હીની ગેંગ દ્વારા તેમને ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું પેપર, તેની આન્સરશીટ આપવામાં આવી હતી. ત્યારબાદ બે કલાક રોકાઈ પેપર વાંચી લેવામાં આવ્યું હતું. તમામ પરીક્ષાર્થીઓ 30 તારીખે રાત્રે નીકળી ગુજરાત પરત આવી ગયા હતા.
5/5
એસપી મયુર ચાવડાએ જણાવ્યું કે, પરીક્ષાર્થીઓ તથા આ પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા લોકો 29 નવેમ્બરે અલગ-અલગ ચાર વ્હીકલમાં બેસી નાના ચીલોડા ભેગા થયા હતા. અહીંથી આ તમામ ચાર ગાડી ગુડગાંવ માટે રવાના થયા હતા. ગુડગાંવ પહોંચી પરીક્ષાર્થીઓને લેવા દિલ્હીની એક ગેંગ આવી હતી.