અમદાવાદઃ સીબીએસી, ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ખરાબ સમાચાર છે. આગામી નવરાત્રીમાં આ બન્ને બોર્ડના વિદ્યાર્થીઓને નવરાત્રી વેકેશન નહીં મળે. અમદાવાદના એસોસિયેશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલ (AOPS) કામચલાઉ ધોરણે આ નિર્ણય કર્યો છે. આ પહેલા અમદાવાદના એસોસિયેશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલ (AOPS) સરકારને પત્ર લખીને સ્પષ્ટતા માગી હતી પરંતુ સરકાર તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. જોકે હજુ નવરાત્રીને 6 દિવસ બાકી છે ત્યારે સરકાર આ અંગે કોઈ સ્પષ્ટતા કરશે તો આ નિર્ણયમાં ફેરબદલ કરવાનો મત તમામ સંચાલકોએ વ્યક્ત કર્યો હતો.
2/3
AOPSમાં જ વેકેશનને લઈને પણ તમામ સ્કૂલો એકમત નથી કારણ કે અગ્રણી 50 પૈકી પાંચ જેટલી સ્કૂલોએ વેકેશન રાખવાનો મત રજૂ કર્યો હતો. તો ઘણી સ્કૂલો વીકેન્ડની રજાને જોડીને પાંચ દિવસની રજા આપવાનું વિચારી રહી છે, પરંતુ મોટાભાગની સ્કૂલોમાં વેકેશન આપવામાં આવશે નહીં.
3/3
આ પહેલા સરકારે ગુજરાત બોર્ડની તમામ સ્કૂલોમાં નવરાત્રી વેકેશન આપવાનો પરિપત્ર જાહેર કર્યો હતો, જોકે ગુજરાત બોર્ડ સિવાયના અન્ય બોર્ડ માટે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. એસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલનાં સૂત્રોના જણાવ્યાનુસાર, નવરાત્રી અંગે અત્યાર સુધી નેશનલ અને ઇન્ટરનેશનલ બોર્ડ માટે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. આથી એસોસિયેશન તરફથી સરકારને પત્ર લખીને પૂછવામાં આવ્યું છે કે, આ મુદ્દે શું કરવું? પરંતુ અત્યાર સુધી સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આથી AOPSની સ્કૂલોમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું નથી. જો ભવિષ્યમાં સરકાર આ અંગે કોઈ સ્પષ્ટતા કરશે તો અમે તેને જરૂરથી અનુસરીશું.