Health Alert: અમેરિકા જે આદત છોડી રહ્યું છે તે અપનાવી ભારત થઈ રહ્યું છે 'બરબાદ', ચોંકાવનારો રિપોર્ટ
અમેરિકાએ નાગરિકોને પેકેજ્ડ ફૂડ છોડી 'વાસ્તવિક ખોરાક' ખાવા અપીલ કરી, જ્યારે ભારતમાં જંક ફૂડના વેચાણમાં રેકોર્ડબ્રેક વધારો; જાણો તમારા સ્વાસ્થ્ય પર શું થશે અસર.

શું આપણે પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણમાં આપણું સ્વાસ્થ્ય હોડમાં મૂકી રહ્યા છીએ? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે એક તરફ પશ્ચિમી દેશો હવે જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ (Processed Food) થી તૌબા પોકારીને સ્વસ્થ જીવનશૈલી તરફ વળી રહ્યા છે, જ્યારે બીજી તરફ ભારત આ અમેરિકન આદતને અપનાવીને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બરબાદી તરફ જઈ રહ્યું છે. હાલમાં જ અમેરિકાની સરકારે તેના નાગરિકો માટે જાહેર કરેલી નવી ડાયેટરી ગાઈડલાઈન્સ અને ભારતના આંકડાઓ વચ્ચેનો વિરોધાભાસ આંખ ઉઘાડનારો છે.
અમેરિકાનો યુ-ટર્ન: 'પેકેજ્ડ ફૂડ છોડો, રિયલ ફૂડ ખાઓ'
સ્વાસ્થ્ય સંકટનો સામનો કરી રહેલા અમેરિકાએ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ અને એગ્રીકલ્ચર વિભાગે સંયુક્ત રીતે વર્ષ 2025-2030 માટે નવી પોષણ નીતિ જાહેર કરી છે. આ નવી ગાઈડલાઈન્સનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને દવાઓ અને પ્રોસેસ્ડ ફૂડની જાળમાંથી બહાર કાઢીને કુદરતી પોષણ તરફ વાળવાનો છે.
ફૂડ પિરામિડની વાપસી: દાયકાઓ પછી અમેરિકાએ ફરીથી 'ફૂડ પિરામિડ' (Food Pyramid) પર ભાર મૂક્યો છે. જેનો સરળ સંદેશ છે - કારખાનામાં બનેલા પેકેજ્ડ ફૂડથી દૂર રહો અને કુદરતી 'વાસ્તવિક ખોરાક' ખાઓ.
વાસ્તવિક ખોરાક એટલે શું? અમેરિકન વ્યાખ્યા મુજબ, જેમાં ખાંડ, ઔદ્યોગિક તેલ (Industrial Oil), કૃત્રિમ સ્વાદ કે પ્રિઝર્વેટિવ્સ ન હોય અને જે કુદરતી સ્વરૂપમાં હોય તે જ અસલી ખોરાક છે.
આ નિર્ણય પાછળનું કારણ અમેરિકાની કથળતી તબિયત છે. ત્યાં 70% પુખ્ત વયના લોકો ઓવરવેઈટ અથવા મેદસ્વી છે. દર 3 માંથી 1 કિશોર 'પ્રી-ડાયાબિટીક' સ્ટેજમાં છે. દેશના હેલ્થ બજેટનો 90% હિસ્સો માત્ર ખરાબ ખાણીપીણીને કારણે થતા રોગો પાછળ ખર્ચાઈ રહ્યો છે.
ભારતની ચિંતાજનક સ્થિતિ: આપણે વિરુદ્ધ દિશામાં!
જ્યારે અમેરિકા સુધરી રહ્યું છે, ત્યારે ભારતની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. લેન્સેટ (Lancet) અને અન્ય સંસ્થાઓના અહેવાલો મુજબ, ભારતીયો હવે ઘરના શુદ્ધ ભોજનને બદલે તૈયાર નાસ્તા અને પ્રોસેસ્ડ ફૂડ તરફ વળ્યા છે.
વેચાણમાં ઉછાળો: વર્ષ 2006 થી 2019 દરમિયાન ભારતમાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડના વેચાણમાં સીધો 40% નો વધારો નોંધાયો છે.
ખર્ચમાં વધારો: યુરોમોનિટરના ડેટા મુજબ, 2012 માં એક ભારતીય વ્યક્તિ વર્ષે સરેરાશ ₹2,800 નું પેકેજ્ડ ફૂડ ખાતી હતી, જે આંકડો 2018 માં વધીને ₹5,200 પર પહોંચી ગયો છે. ICRIER રિપોર્ટ મુજબ, 2011 થી 2021 વચ્ચે આ માર્કેટમાં વાર્ષિક 13% નો ગ્રોથ થયો છે.
સ્વાસ્થ્ય પર ગંભીર અસર
આ બદલાયેલી આદતોનું પરિણામ ભયાનક છે. આજે ભારતની 11% વસ્તી ડાયાબિટીસનો શિકાર બની ચૂકી છે. ચિંતાની વાત એ છે કે 3.4% નાના બાળકો પણ હવે મેદસ્વીતાનો ભોગ બન્યા છે. લગભગ 29% લોકોનું વજન સામાન્ય કરતા વધારે છે, અને 15% વસ્તીમાં ડાયાબિટીસના પ્રારંભિક લક્ષણો જોવા મળી રહ્યા છે.
(ડિસ્ક્લેમર: આ માહિતી વિવિધ સંશોધન અહેવાલો પર આધારિત છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ ફેરફાર કરતા પહેલા નિષ્ણાત તબીબની સલાહ લેવી અનિવાર્ય છે.)
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















