જંક ફૂડ બાળકોને કાયમ માટે અંધ બનાવી શકે છે? જાણો કેટલું જોખમી છે!
મલેશિયામાં ૮ વર્ષના બાળકની ઘટના લાલ બત્તી સમાન, જંક ફૂડના ગંભીર પરિણામોથી સાવધાન

Junk food and vision loss: મલેશિયામાં એક ૮ વર્ષનો બાળક ક્લાસમાં ભણતો હતો ત્યારે અચાનક તેની આંખોની રોશની ગુમાવી બેઠો. તપાસમાં જાણવા મળ્યું કે વધુ પડતા જંક ફૂડના સેવનથી તેના શરીરમાં વિટામિન Aની ગંભીર ઉણપ હતી, જેના કારણે તે ઓપ્ટિક ન્યુરોપથીનો શિકાર બન્યો. આ ઘટના જંક ફૂડના ગંભીર પરિણામો તરફ ધ્યાન દોરે છે.
જંક ફૂડ માત્ર બાળકો જ નહીં, પરંતુ યુવાનો અને વૃદ્ધોને પણ પસંદ હોય છે. પરંતુ આ ઘટના સાંભળીને દરેક વ્યક્તિએ સાવધાન થવાની જરૂર છે. બાળકના માતા-પિતા સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે તે નાનપણથી જ મોટાભાગે ચિકન નગેટ્સ, સોસેજ અને કૂકીઝ જેવું જંક ફૂડ ખાતો હતો, જેના કારણે તેના શરીરમાં વિટામિન Aની ઉણપ સર્જાઈ હતી.
આંખો માટે વિટામિન Aનું મહત્વ
વિટામિન A આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તે રેટિના, કોર્નિયા, સ્કિન પિગમેન્ટેશન અને આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે. તેની ઉણપથી રાતાંધળાપણું અને અન્ય ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.
જંક ફૂડના અન્ય જોખમો
માનસિક સ્વાસ્થ્ય પર અસર: જંક ફૂડ મગજ પર ખરાબ અસર કરે છે અને જ્ઞાનાત્મક ઘટાડો અને સ્ટ્રોકનું જોખમ વધારે છે.
સ્ટ્રોકનું જોખમ: સંશોધન મુજબ, અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડના વધુ પડતા સેવનથી સ્ટ્રોકનું જોખમ ૮ ટકા સુધી વધી શકે છે.
અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ એટલે શું? વધુ પડતી પ્રક્રિયા કરેલા અને સ્વાદ વધારવા માટેના ઉમેરણો ધરાવતા ખોરાકને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ કહેવામાં આવે છે. તેમાં ફાઇબર, વિટામિન્સ, પ્રોટીન અને ખનિજો ઓછા હોય છે અને ખાંડ, સોડિયમ અને સંતૃપ્ત ચરબી વધુ હોય છે. જેમ કે, પોટેટો ચિપ્સ, સોડા, એનર્જી ડ્રિંક્સ, બેકન, સોસેજ, ચિકન નગેટ્સ, ઇન્સ્ટન્ટ સૂપ મિક્સ, કેચઅપ વગેરે.
માતાપિતા તેમના બાળકના સારા ભવિષ્ય માટે શું નથી કરતા? ઘર, બંગલો, ગાડી, સારું ભણતર, શાળા, કોલેજ, કપડાં, આસપાસનું વાતાવરણ બધું જ ધ્યાન રાખે છે. પરંતુ માતા-પિતા તેમના બાળકના પોષણનું જેટલું ધ્યાન રાખવું જોઈએ તેટલું ધ્યાન રાખતા નથી. તંદુરસ્ત ભવિષ્ય માટે બાળકની પોષણની જરૂરિયાતો પૂરી કરવાની જવાબદારી પણ માતાપિતાની છે. જેથી તેઓ ભવિષ્યમાં સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ ગંભીર સમસ્યાઓથી સુરક્ષિત રહી શકે.
આ પણ વાંચો....

