આ સમયે ર્ડાકટર કે નર્સ હાજર નહતા. આટલું ઓછું હોય તેમ મહિલાએ પકડેલું નવજાત બાળક હાથમાંથી સરકીને ખાટલામાં પડતાં હાજર પરિવારજનોના જીવ અધ્ધર થઇ ગયા હતા. દરમિયાન મહિલાના પરિવારે બૂમ પાડતાં અહીં આવી પહોંચેલી નર્સે વેક્સીનેશન પણ આપ્યું. જરૂરી સારવાર બાદ મહિલાને તેના બાળક સાથે મહેસાણા સિવિલમાં રવાના કરી હતી. જ્યાં બાળકને હાલ કાચની પેટીમાં રાખવામાં આવ્યું છે.
2/2
મહેસાણા:મહેસાણા જિલ્લાના નંદાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મંગળવારે રાત્રે કડીના નારોલા ગામની મહિલાને પ્રસૂતિ માટે લવાઇ હતી. આ દરમિયાન આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ મોડી રાત્રે ઉંઘતો રહ્યો અને મહિલાની બેડમાં જ પ્રસૂતિ થઇ ગઇ હતી. નવજાત બાળક મહિલાના હાથમાંથી સરકીને સીધું બેડ પર પડ્યું હતું. બાદમાં સફાળા જાગેલા સ્ટાફે જરૂરી સારવાર બાદ મહિલાને તેના બાળક સાથે મહેસાણા સિવિલમાં ટ્રાન્સફર કરી હતી. બનાવની મળતી માહિતી પ્રમાણે, કડી તાલુકાના નારોલા ગામના સરદારજી ઠાકોરની પત્ની નેહાબેનને મંગળવારે રાત્રે 10 કલાકે પેટમાં દુ:ખાવો થતાં નંદાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જઇ સારવાર કરાવી હતી. જેમાં હાજર સ્ટાફે પ્રસૂતિના હજુ 2 મહિના બાકી હોવાનું કહી જરૂરી દવા આપીને દંપતીને ઘરે રવાના કરાયું હતું. જોકે, રાત્રે 2 વાગે મહિલાને ગર્ભ રહ્યાના 7 મહિના અને 10 દિવસે પ્રસૂતિની પીડા થતાં ફરી તાત્કાલિક આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાઇ હતી. મહિલાના પતિ સરદારજીના કહેવા મુજબ, હાજર નર્સ ઇન્જેકશન આપીને બાજુના રૂમમાં સૂવા ચાલી ગઇ હતી, જ્યારે હું રૂમની બહાર અને મારી બા પત્ની સાથે બેસી રહ્યા હતા. દરમિયાન અચાનક નેહાને પ્રસૂતિની પીડા ઉભી થઇ હતી અને દુ:ખાવાની વેદના વચ્ચે તેને પુત્રને લેબરરૂમમાં નહીં પરંતુ વોર્ડના ખાટલામાં જ બાળકને જન્મ આપ્યો હતો.