રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 50 કેસ નોંધાયા
ફરી એકવાર કોરોનાને લઈ અમદાવાદ એપી સેન્ટર બની ગયું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે

ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ફરી એકવાર કોરોનાને લઈ અમદાવાદ એપી સેન્ટર બની ગયું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 50 કેસ નોંધાયા હતા. ઉપરાંત મણિનગરની એલજી હોસ્પિટલમાં 18 વર્ષીય સગર્ભાનું કોરોનાને કારણે મૃત્યુ થયું હતું. અમદાવાદમાં કોરોનાથી મૃત્યુની સતત આ બીજી ઘટના છે. અગાઉ 47 વર્ષીય મહિલાએ પણ એલજી હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો હતો. નવા 50 સાથે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 338 પર પહોંચી ગયો છે. આ તરફ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 16 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે.
અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ કોરોનાના 270 કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે 72 દર્દીઓ સ્વસ્થ થયા છે તો બે વ્યકિતના મૃત્યુ પણ થયા છે. હાલમાં કુલ 197 દર્દીઓ સારવાર હેઠળ છે. અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 61 નોંધાયા હતા તો પશ્ચિમ ઝોનમાં 53, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 37, દક્ષિણ ઝોનમાં 22, પૂર્વ ઝોનમાં 16, ઉત્તર ઝોનમાં 04 અને મધ્ય ઝોનમાં 04 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 18 નવા કેસ નોંધાયા હતા. કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં ગુજરાત ચોથા ક્રમે છે. 1435 એક્ટિવ કેસ સાથે કેરળ ટોચ પર છે.
ભારતમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે એક્ટિવ કેસોની સંખ્યા 3976 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 6 લોકોના મૃત્યુ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં 18 વર્ષની ગર્ભવતી યુવતીનું દુઃખદ અવસાન થયું છે. કેરળ 1435 એક્ટિવ કેસો સાથે દેશમાં મોખરે છે, જ્યારે મહારાષ્ટ્ર બીજા ક્રમે છે.
ભારતમાં કોરોના વાયરસના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગની વેબસાઈટ મુજબ, છેલ્લા 10 દિવસમાં કેસોમાં 15 ગણો વધારો જોવા મળ્યો છે, અને દેશમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 3976 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 6 લોકોના મૃત્યુ થયા છે, જેનાથી દેશમાં કુલ મૃત્યુઆંક 34 પર પહોંચી ગયો છે.
રાજ્યો દ્વારા સાવચેતીના પગલાં
વધતા જતા કેસો વચ્ચે, કર્ણાટક સરકારે જાહેર સલાહકાર (પબ્લિક એડવાઈઝરી) જારી કરી છે. જેમાં લોકોને ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવાની અપીલ કરવામાં આવી છે. તાવ, ઉધરસ, છાતીમાં દુખાવો અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક પરીક્ષણ કરાવવાનું પણ કહેવામાં આવ્યું છે.





















