(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad: અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર ફરી રફ્તારનો કહેર, રસ્તો ક્રોસ કરતા વ્યક્તિને કારે મારી ટક્કર
accident: અમદાવાદના એસજી હાઈવે પર ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો
accident: અમદાવાદના એસજી હાઈવે પર ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, મળતી જાણકારી અનુસાર, ઈસ્કોન બ્રિજ થયેલા અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. ગુરુવારની રાત્રે નવ વાગ્યા આસપાસ ઉત્તર પ્રદેશના યતેન્દ્રસિંહ નામનો વ્યક્તિ ઇસ્કોન બ્રિજના કર્ણાવતી ક્લબના છેડે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી કારે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં યતેન્દ્રસિંહનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. તો અકસ્માત બાદ અજાણ્યો કાર ચાલક ફરાર થઇ ગયો હતો. હાલમાં આ કેસમાં પોલીસ તપાસ ચલાવી રહી છે. આ મામલે સંદીપ ઉપાધ્યાય નામના વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 12 કલાકનો સમય વીત્યો છતાં પોલીસ આરોપીની શોધખોળ કરી શકી નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇસ્કોન બ્રિજ ઉપર ગઇકાલે યતેન્દ્રસિંહ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો તે સમયે કાર ચાલકે તેને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઘટનાસ્થળે તેનું મોત થયું હતું. યતેન્દ્રસિંહ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. ઘટનાના પ્રત્યક્ષદર્શીના કહેવા પ્રમાણે અજાણ્યા વાહન ચાલકે ટક્કર માર્યા બાદ એક બાઈક ચાલકને પણ ટક્કર મારી હતી. હિટ એન્ડ રનની ઘટનામાં 50 વર્ષના યતેન્દ્ર સિંહ નામના વ્યક્તિનું મોત થયુ હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. યતેન્દ્રસિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે ગત જૂલાઇ મહિનામાં ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. આરોપી તથ્ય પટેલે પૂરઝડપે કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. આ કેસના આરોપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ સામે આજથી ટ્રાયલ શરૂ થશે. આરોપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલને વીડિયો કોંફ્રેસના માધ્યમથી કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે..તો આરોપીઓને ઘરના જમવાના તેમજ તથ્ય પટેલના ભણતર અંગે જેલ પ્રશાસને લીધેલા નિર્ણયની પણ કોર્ટ સમક્ષ જાણ કરાશે. તો આરોપીઓને વકીલ રોકવા માટે કોર્ટે એક સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. ત્યારે આજે આ કેસમાં ચાર્જશીટ બાદ ચાર્જ ફ્રેમની કાર્યવાહી હાથ ધરાઈ તેવી શક્યતા છે.