Ahmedabad: ગુજરાત યુનિવર્સિટી બાદ હવે આ સરકારી જગ્યાએથી મળ્યા ગાંજાના છોડ, જાણો વધુ વિગતો
અમદાવાદના વિજય ચાર રસ્તા નજીક આવેલી AMC સંચાલિત સૌરભ નર્સરીમાં ગાંજાનો સુકાયેલો છોડ મળી આવ્યો છે.
અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત નર્સરીમાં ગાંજાનો સુકાયેલો છોડ મળવાની ઘટના સામે આવી છે. અમદાવાદના વિજય ચાર રસ્તા નજીક આવેલી AMC સંચાલિત સૌરભ નર્સરીમાં ગાંજાનો સુકાયેલો છોડ મળી આવ્યો છે. વહેલી સવારે નર્સરીમાં તુલસીના રોપા વચ્ચે ગાંજાનો છોડ મળી આવતા ગાર્ડન વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
નર્સરીમાં સ્થાનિકો માટે પ્રવેશબંધી હોવાથી બહારથી લાવેલી માટીમાં ગાંજાનો બીયો આવ્યો હોવાની આશંકા નર્સરીના માળી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ABP અસ્મિતા સાથેની વાતચીતમાં નર્સરીના માળીએ સ્વીકાર કર્યો કે છોડ ગાંજાનો જ છે જે પ્રથમ વખત આ રીતે ઊગી નીકળ્યો છે અને તેનો નિકાલ કરી દેવામાં આવ્યો છે.
ગાર્ડન વિભાગ ઉત્તરપ્રદેશથી માટી લાવતું હોવાના કારણે માટીમાં બીયો આવી જવાની આશંકાના પગલે હાલ સુકાયેલા છોડનો નિકાલ કરવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગના અધિકારીઓ દ્વારા હાલ તો આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ કેમ્પસમાંથી મળ્યો હતો ગાંજાનો છોડ
ગુજરાત યુનિવર્સિટીમાંથી સોમવારે ગાંજાના છોડ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. રાજકોટની મારવાડી યુનિવર્સિટી બાદ ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળી આવ્યા હતા. થોડા દિવસ પહેલા જ રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાંથી મળેલા ગાંજાના છોડ મામલે FSLનો રિપોર્ટ સામે આવ્યો હતો જેમા મળી આવેલા છોડ ગાંજાના જ હતા તે પુરવાર થયું હતું. વધુ એક શિક્ષણના ધામમાં ગાંજાના છોડ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. કોંગ્રેસ દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાની ખેતી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
ગાંજાના છોડ અહીં કોણ લાવ્યુ અને કોણે વાવ્યો તેેને લઈ અનેક સવાલ
આ ગાંજાના છોડ અહીં કોણ લાવ્યુ અને કોણે વાવ્યો તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. યુનિવર્સિટીની હોસ્ટેલમાં ડી બ્લોક પાસે ગાંજાના બે છોડ જોવા મળ્યા હતા. NSUIના કાર્યકરો દ્નારા આ ગાંજાના છોડ પકડી પાડવામાં આવ્યા હતા. સૌથી મોટો સવાલ એ છે કે યુનિવર્સિટીમાં ગાંજાના છોડ આવ્યા કેવી રીતે?. ગાંજાના છોડ મળ્યા બાદ યુનિવર્સિટીના સમગ્ર કેમ્પસમાં તપાસ હાથ ધરાઈ છે. યુનિવર્સિટીમાં માત્ર આ બે જ છોડ છે કે અન્ય કોઈ જગ્યાએ પણ આ પ્રકારે ગાંજાની ખેતી થતી હતી તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે.