Ahmedabad Coronavirus Case: અમદાવાદ માટે ચિંતાજનક સમાચાર, સતત ત્રીજા દિવસે 400થી વધુ કેસ નોંધાતા ફફડાટ
Ahmedabad Corona Update: શહેરમાં સોમવારે બે દર્દીના મોત થતાં અત્યાર સુધીમાં કુલ 2280 લોકોના મરણ થયા છે.હાલની પરિસ્થિતિમાં શહેરમાં કોરોનાના એકિટવ કેસ 1144 છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. લોકડાઉનને એક વર્ષ થવા છતાં રાજ્યમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના વધતા કેસને લઈ સંક્રમણની સ્થિતિ ચિંતાજનક બની રહી છે.સોમવારે એક જ દિવસમાં કોરોનાના નવા 481 કેસ નોંધાયા છે.ગત વર્ષે શરૂ થયેલી કોરોના મહામારીથી લઈ અત્યાર સુધીમાં નોંધાયેલા આ સૌથી વધુ કેસ છે.
3 દિવસમાં 1300થી વધુ કેસ
અમદાવાદમાં સતત ત્રીજા દિવસે 400થી વધુ કેસ નોંધાયા હતા. 22 માર્ચ, સોમવારના રોજ અમદાવાદ કોર્પોરેશનમાં 481, 21 માર્ચ રવિવારે 443 કેસ અને 20 માર્ચ શનિવારે 401 કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ જ દિવસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1325 કેસ નોંધાયા હતા.
અત્યાર સુધીમાં શહેરમાં કેટલા નોંધાયા છે કેસ
સોમવારે અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 481 કેસ નોંધાતા ગત માર્ચથી અત્યાર સુધીમાં કોરોનાના કુલ 63214 કેસ નોંધાયા છે.સોમવારે વધુ 351 દર્દીઓને કોરોના મુકત જાહેર કરવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 59662 દર્દીઓ કોરોના મુકત થયા છે.
શહેરમાં સોમવારે બે દર્દીના મોત થતાં અત્યાર સુધીમાં કુલ 2280 લોકોના મરણ થયા છે.હાલની પરિસ્થિતિમાં શહેરમાં કોરોનાના એકિટવ કેસ 1144 હોવાનું મ્યુનિસિપલ તંત્રના સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે. શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પુરી થયા બાદ કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો નોંધાતા મ્યુનિસિપલ તંત્ર દ્વારા ગત વર્ષે માર્ચ મહિનામાં કોરોના સંક્રમણ શરૂ થયુ એ સમયે જે કાર્યવાહી કરી હતી એ પૈકીની કેટલીક કાર્યવાહી આ વર્ષે ફરીથી શરૂ કરવામાં આવી છે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
સોમવારે રાજ્યમાં કોરોના આવ્યા પછીના સૌથી વધુ રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા હતા. સોમવારે રાજ્યમાં 1640 નવા કેસ નોંધાયા હતા. આ પહેલા 27 નવેમ્બરના રોજ 1607 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં સોમવારે 1110 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,76,348, લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.74 ટકા પર પહોંચ્યો છે. હાલ 7847 એક્ટિવ કેસ છે, જેમાંથી 73 લોકો વેન્ટિલેટર પર અને 7774 લોકો સ્ટેબલ છે.
રાશિફળ 23 માર્ચ: આજે આ રાશિના જાતકોએ રાખવી પડશે સાવધાની, જાણો મેષથી મીન રાશિના જાતકોનું આજનું રાશિફળ