Crime: અમદાવાદમાં 13 લાખની લૂંટ, રિક્ષામાં બેસેલા દંપતીને આંતરી લૂંટારૂંઓ સોનાના દાગીના સહિત 13 લાખ લઇને ફરાર
Ahmedabad Crime News: હાલમાં રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે

Ahmedabad Crime News: અમદાવાદમાં એક મોટી લૂંટની ઘટના ઘટી છે, શહેરમાં 13 લાખથી વધુની લૂંટથી હાહાકાર મચી ગઇ છે. ખરેખરમાં, મુંબઇથી અમદાવાદ આવેલા દંપતીને એક્ટિવા સવાર યુવાનોએ રિક્ષામાં આંતરીને લૂંટી લીધા હતા, જેમાં સોના બિસ્કીટ, સોનાની ચેઇન અને અન્ય દાગીના સામેલ હતા, હાલમાં રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
ફરી એકવાર સાબિત થયુ છે કે, અમદાવાદ શહેર સુરક્ષિત નથી. હત્યા, મારામારી, લૂખ્ખાગીરી અને લૂંટની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, અમદાવાદમાં આરટીઓ સર્કલ પાસે એક દંપતી લૂંટાયુ છે. ઘટનાની વિગતો એવી છે કે, મુંબઇથી ટ્રેન મારફતે રમેશભાઇ અને તેમની પત્ની અમદાવાદ આવ્યા હતા, રાણીપમાં પોતાના ઘરે જવા માટે તેઓ રિક્ષામાં બેઠાં આ દરમિયાન અમદાવાદ આરટીઓ સર્કલ નજીક ચિમનભાઇ બ્રીજ પાસે દંપતી પાસેથી 13 લાખની લૂંટ આચરવામા આવી હતી. એક્ટિવા પર આવેલા બે યુવાનોએ આ દરમિયાન રિક્ષાને આંતરી અને દંપતી પાસેથી 13.56 લાખ લૂંટી લીધા હતા, જેમાં 3 સોનાના બિસ્કીટ, સોનાની ચેઇન સહિતના અન્ય દાગીના સામેલ હતા. લૂંટની આ સમગ્ર ઘટના મામલે દંપતીએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી હતી, પોલીસ હાલ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે.





















